તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
ટંકારાના મોટા ખિજડીયામાં પીજીવીસીએલની ઘોર બેદરકારી : વીજ કરંટ લાગતાં ગાયનું કમકમાટીભર્યું મોત, ખૂંટ ગંભીર રીતે ઘાયલ
સરપંચ જુવાનસિંહ ઝાલાએ ફોન પર રજૂઆત કરી હોવા છતાં વીજ તંત્ર ઘોર નિંદ્રામાં રહ્યું : ગામના ઘરોની દીવાલોમાં કરંટ ઉતરતાં લોકોમાં ભારે ફફડાટ : મોટી જાનહાનિ ટળી : યોગ્ય કામગીરી નહીં થાય તો આમરણ ઉપવાસની ચીમકી

જયેશ ભટાસણા, ટંકારા: ચોમાસાની શરૂઆતમાં જ માત્ર સામાન્ય વરસાદી છાંટા પડતાંની સાથે જ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) ની પોલમપોલ અને ઘોર બેદરકારી સપાટી પર આવી ગઈ છે. ટંકારા તાલુકાના મોટા ખિજડીયા ગામે વીજ તંત્રની લાપરવાહીના કારણે કરંટ લાગવાથી એક નિર્દોષ ગાયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે એક ખૂંટ ગંભીર રીતે ઘાયલ થયો છે. જો આ સમયે કોઈ માનવ જિંદગી તેની ઝપેટમાં આવી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આ પરિસ્થિતિ વચ્ચે ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સરપંચની ટેલિફોનિક રજૂઆતને તંત્રએ કચરાપેટીમાં નાખી:
બનાવની વિગત એવી છે કે મોટા ખિજડીયા ગામના મુખ્ય રોડ પર આવેલું વીજ ટ્રાન્સફોર્મર (ટીસી) શોર્ટ થયું હતું. આ અંગે ગામના સરપંચ જુવાનસિંહ ઝાલાએ તુરંત જ જવાબદાર વીજ તંત્રને ટેલિફોનિક ફરિયાદ નોંધાવી હતી અને તાત્કાલિક અસરથી પાવર સપ્લાય બંધ કરવા વિનંતી કરી હતી. પરંતુ નિંભર અને નકટા વીજ તંત્રએ આ ગંભીર ફરિયાદને કચરાપેટીમાં નાખી દઈને તદ્દન અણદેખી કરી હતી અને વીજ પુરવઠો ચાલુ રાખ્યો હતો. વીજ કંપનીની આ આળસને કારણે ટ્રાન્સફોર્મરની આજુબાજુ આવેલા ઘરોની દીવાલોમાં પણ વીજ કરંટ ઉતરી આવ્યો હતો, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.
નિર્દોષ પશુઓ વીજ કરંટની ઝપેટમાં આવ્યા:
તંત્ર દ્વારા પાવર સપ્લાય બંધ ન કરાતાં આ દરમિયાન ટીસી પોલ પાસે ચરાણ કરી રહેલા પશુઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. શોર્ટ લાગવાના કારણે એક ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક ખૂંટને જોરદાર આંચકો લાગતાં તે ગંભીર રીતે ઝખમી થયો હતો. ઘટનાને પગલે દોડી આવેલા સ્થાનિક યુવાનોએ તાત્કાલિક ઘાયલ ખૂંટની સારવાર શરૂ કરી હતી.
ગ્રામજનો સાથે આમરણ ઉપવાસ પર બેસવાની ચીમકી:
ગામના સરપંચ જુવાનસિંહ ઝાલાએ તંત્ર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે, "વીજ તંત્ર એટલું નકટું છે કે હું અઠવાડિયામાં એક વાર કમ્પ્લેન કરું છું, છતાં કોઈ ધ્યાન આપતું નથી. સૌથી મોટી વાત એ છે કે જો આમાં કોઈ માનવ જિંદગી હોમાઈ ગઈ હોત તો તેનો જવાબદાર કોણ?" તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જો આ નિંભર તંત્ર દ્વારા આજે જ તાબડતોબ અને યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે, તો આવતીકાલે સમસ્ત ગ્રામજનોને સાથે રાખીને પીજીવીસીએલ કચેરી સામે જ આમરણ ઉપવાસ આંદોલન છેડવામાં આવશે. સ્થાનિક લોકોમાં પણ હવે આ મામલે ઉગ્ર રોષ વ્યાપી ગયો છે અને બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
