તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
ચોટીલા હાઇવે પર તંત્રની ઘોર બેદરકારીઃ કોન્ટ્રાક્ટરની મનમાનીથી ૫ કિલોમીટર લાંબો ચક્કાજામ, હજારો મુસાફરો કાળઝાળ ગરમીમાં બંધક!
‘‘પાડાના વાંકે પખાલીને ડામઃ અણઆવડત અને મિલીભગતની સજા જનતા કેમ ભોગવે?'' : એકસાથે બંને ઓવરબ્રિજ બંધ કરીને સિક્સ-લેનનો ટ્રાફિક સિંગલ ટ્રેક પર વાળ્યોઃ કોઈ ડાયવર્ઝન કે સૂચક બોર્ડ નહીં, પોલીસ પણ તોબા પોકારી ઉઠી! : નબળા કામ પર ઢાંકપિછોડો કરવા ‘મરામત'નો ખેલ? દર્દીઓ, વળદ્ધો અને બાળકો કલાકો સુધી અટવાયા; સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ, આંદોલનના એંધાણ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલાઃ તા.ર૩, ચોટીલા-રાજકોટ નેશનલ હાઇવે પર ચોટીલા નજીક આવેલા બે ઓવરબ્રિજ પર કોન્ટ્રાક્ટર કંપની દ્વારા આચરવામાં આવેલી ગંભીર બેદરકારીને કારણે છેલ્લા પાંચ દિવસથી હજારો વાહનચાલકો અને મુસાફરો નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. કોઈ પણ જાતના આગોતરા આયોજન, ડાયવર્ઝન કે સૂચના બોર્ડ વગર જ બંને પુલ પર એકસાથે રિપેરિંગ કામ શરૂ કરી દેવાતા દરરોજ ૫ કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. હાઇવે ઓથોરિટી અને જવાબદાર તંત્રની આ ઘોર અણઆવડત સામે હવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે.
ભ્રષ્ટાચાર પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ? સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કરોડોના ખર્ચે બનેલા આ ઓવરબ્રિજ પર થયેલા નબળા બાંધકામને છૂપાવવા માટે આ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની -બળ શંકા છે. આ આડેધડ કામગીરીને કારણે સિક્સ-લેન હાઇવેનો તમામ ટ્રાફિક અચાનક સિંગલ ટ્રેક પર ડાયવર્ટ કરી દેવાયો છે. કોન્ટ્રાક્ટરે પોતાની સુવિધા ખાતર જેસીબી આડા મૂકીને પુલ બંધ કરી દીધા છે, જેના કારણે માત્ર એક પુલ પસાર કરવામાં જ લોકોને અડધા કલાકથી વધુ સમય વેડફાઈ રહ્યો છે. બહેરા કાને અથડાતી જનતાની ચીસ જેવો અનુભવ જોવા મળે છે. આ આયોજન વગરના ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સમાં ટળવળતા દર્દીઓ, નાના બાળકો અને વળદ્ધો કાળઝાળ ગરમીમાં કલાકો સુધી ફસાયેલા રહે છે. ટ્રાફિક નિયમન કરાવવામાં પોલીસ જવાનો પણ તોબા પોકારી ઉઠ્યા છે, પરંતુ હાઇવેના જવાબદાર અધિકારીઓ જાણ ‘તાબોટા પાડતા હોય' તેમ બહેરા કાન કરીને બેઠા છે.
ઉચ્ચ કક્ષાએથી તાકીદે હસ્તક્ષેપની માંગ આ મુશ્કેલી માંથી પસાર થતા લોકોમાં ઉઠી છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે આસપાસના રહીશો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભારે રોષ છે. જો આગામી દિવસોમાં આ સમસ્યાનું કાયમી અને યોગ્ય નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કાર્યદક્ષ પ્રાંત અધિકારી તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટર કંપની અને સંબંધિત વિભાગો સાથે સંકલન સાધી, આ મનમાની બંધ કરાવે અને જનતાને આ યાતનામાંથી મુક્તિ અપાવે તેવી લોક માંગ ઉઠી છે.
ચોટીલા નજીક માનવ સર્જિત ટ્રાફિક જામ મા ફસાયેલા વાહનોની કતારો ની તેમજ કંપની દ્વારા મુકાયેલ આડાશ કરતા વાહનો પણ વિમા વગરના હોવાનું કહેવાય છે જેની તસવીર(તસવીરઃ હેમલ શાહ)
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
