<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

લીલી પરિક્રમા નિર્વિઘ્‍ને પૂર્ણઃ ૭.૮૮ લાખ ભાવિકોએ પુણ્‍યનું ભાથું બાંધ્‍યું

ડીઆઈજી, કલેક્‍ટર, કમિશનર, એસપી, DYSP, ડીસીએફનું સફળ આયોજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૫: ગરવા ગિરનાર પર્વત ફરતેની ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમા નિર્વિઘ્‍ને પૂર્ણ થઈ છે. આ પરિક્રમામાં ૭.૮૮ લાખ ભાવિકોએ  આવીને પુણ્‍યનું ભાથું બાંધ્‍યુ છે. ૨૪ નવેમ્‍બરની સાંજના ૭ સુધીમાં તમામ ભાવિકો પરિક્રમા પૂર્ણ કરીને ભવનાથની બહાર નીકળી ગયા છે. આમ, સમગ્ર પરિક્રમા નિર્વિઘ્‍ને સંપન્ન થઈ છે. ગિરનારનું જંગલ અને ભવનાથ વિસ્‍તાર કે જ્‍યાં પગ મુકવાની જગ્‍યા મળતી ન હતી તે હવે ખાલી ખમ થઈ ગયા છે. બીજી તરફ જૂનાગઢ શહેરના માર્ગો પર ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને બસ સ્‍ટેશન, રેલ્‍વે સ્‍ટેશન પર ભરચક ગીરદી જોવા મળી રહી છે. આ ઉપરાંત ખાનગી વાહનોમાં બેસીને ભાવિકો પોતાના વતન ભણી જઈ રહ્યા છે.

જ્‍યારે કેટલાક ભાવિકો હજુ જૂનાગઢના ગિરનાર, દાતાર, શક્કરબાગ, રોપ - વે ની સફર માણી રહ્યા છે. તો કેટલાક સાસણગીર સિંહ દર્શન માટે અને કેટલાક સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે રવાના થઈ ગયા છે.

આ વર્ષે યોજાયેલી લીલી પરિક્રમા નિર્વિઘ્‍ન સંપન્ન થઈ છે. ખાસ કરીને જિલ્લા કલેકટર અને કમિશનરની આ પ્રથમ લીલી પરિક્રમા હતી તેમ છતાં સુંદર આયોજનને કારણે આ પરીક્ષામાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે.

જુનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરી, કમિશનર આઈ. આર. વાળા, DCF અક્ષયકુમાર જોષી, ડીઆઈજી રાજેન્‍દ્રસિંહ ચુડાસમા, એસપી સુબોધ ઓડેદરા, ડીવાયએસપી હિતેષ ધાંધલીયા, SC/ ST સેલના ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર વગેરેના સુંદર  આયોજનને કારણે આ પરિક્રમા નિર્વિઘ્‍ને સંપન્ન થઈ છે.

(1:10 PM IST)