News of Friday, 4th September 2026
છોટીકાશી જામનગરમાં કૃષ્ણ જન્મોત્સવનો અનેરો ઉત્સાહ : ૨૦મી ભવ્ય સાર્વજનિક શોભાયાત્રાનું ધામધૂમથી પ્રસ્થાન
શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરથી આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ અને સંતો-મહંતો તેમજ રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શોભાયાત્રા નીકળી : શહેરભરમાં ૨૦ સ્થળોએ મટકી ફોડ અને "કાન્હાને મારું માખણ" આયોજનથી માહોલ કૃષ્ણમય બન્યો

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં આજે કૃષ્ણ જન્મોત્સવનો અનેરો ઉત્સાહ અને ધાર્મિક ઉલ્લાસ જોવા મળ્યો હતો. જામનગરમાં સતત ૨૦મા વર્ષે શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતેથી ભવ્ય અને સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજશ્રી, સંતો-મહંતો, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, દંડક પ્રવિણાબેન રૂપડિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડૉ. વિનુભાઈ ભંડેરી, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, ભીખુભાઈ વારોતરીયા, તથા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના કિંજલભાઈ કારસરીયા, દિલીપભાઈ આશર, ભીમશીભાઈ પીઠિયા અને કિશનભાઈ વસરા સહિતના અગ્રણી મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાગવતાચાર્ય પ્રહલાદ શાસ્ત્રીજીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરાવ્યા બાદ શોભાયાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું.
૨૦ થી વધુ આકર્ષક ફ્લોટ્સ અને 'હર ઘર ભગવા' અભિયાનથી ગુંજી ઉઠ્યા રાજમાર્ગો:
આ વર્ષે યોજાયેલી ૨૦મી સાર્વજનિક શોભાયાત્રામાં ૨૦ થી પણ વધુ આકર્ષક ધાર્મિક ફ્લોટ્સ જોડવામાં આવ્યા હતા, જેને કારણે જામનગરના તમામ મુખ્ય રાજમાર્ગો 'જય શ્રી કૃષ્ણ' ના નાદથી ગુંજી ઉઠ્યા હતા. 'હર ઘર ભગવા' અભિયાન અને શહેરની વિવિધ સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓના સક્રિય સહયોગથી સમગ્ર જામનગરમાં ધર્મમય અને ભક્તિસભર વાતાવરણ સર્જાયું હતું.
શહેરના ૨૦ જાહેર સ્થળો પર ધામધૂમથી મટકી ફોડ કાર્યક્રમો યોજાયા:
ખીજડા મંદિર ખાતેથી પ્રસ્થાન પામેલી શોભાયાત્રા હવાઈ ચોક પહોંચી હતી, જ્યાં ધર્મધજા લહેરાવીને મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. આ શોભાયાત્રાના સમગ્ર રૂટ દરમિયાન હવાઈ ચોક, બર્ધન ચોક, ચાંદી બજાર, બેડી ગેઇટ અને પંચેશ્વર ટાવર સહિત ૨૦ જેટલા જાહેર સ્થળો પર ધામધૂમથી મટકી ફોડ અને "કાન્હાને મારું માખણ" સ્વાગત કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
