<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ગોંડલના હડમતાળા ગામે વૃધ્‍ધાના ઘરમાંથી પૌત્રએ જ ૧.૯૦ લાખની મતાની ચોરી કરી'તી!

આર્થીક ભીંસને કારણે ચોરી કર્યાની કબુલાતઃ સોનાના બુટીયા ખરીદનાર રાજકોટના સોની વેપારી કલ્‍પેશ ધોળકીયાની પણ ધરપકડ તસ્‍વીરમાં ચોરી કરનાર શખ્‍સ અને ચોરાઉ દાગીના ખરીદનાર વેપારી નજરે પડે છે.

રાજકોટ તા. ર૧ :.. ગોંડલના હડમતાળા ગામે બે દિ' પૂર્વે થયેલ ઘરફોડીનો તાલુકા પોલીસે ભેદ ઉકેલી વૃધ્‍ધાના ઘરમાંથી ચોરી કરનાર તેના જ પૌત્ર અને સોનાના દાગીના ખરીદનાર રાજકોટના વેપારીની ધરપકડ કરી હતી.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે. જી. ઝાલા ચોરીના ગુન્‍હાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને તાલુકા પોલીસ ઇ. યુ. આર. ડામોરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્‍ટાફે હડમતાળા ગામે ફરીયાદીના માતા વયોવૃધ્‍ધ હોય જે પોતાના ઘરે ઓસરીમાં રાત્રીના સમયે સુતા હતા ત્‍યારે તા. ૧૭ ના રાત્રીના કોઇ અજાણ્‍યા ચોર ઇસમે રહેણાંક મકાનમાં પ્રવેશ કરી મકાનના રૂમમાં રાખેલ રોકડ રૂા. ૧,પ૦,૦૦ તથા સોનાની બે બુટ્ટી કિ. રૂા. ૪૦ હજાર મળી કુલ રૂા. ૧,૯૦,૦૦૦ મતાની ચોરી થયાની ઘટના અંગે  સીસીટીવી ફુટેઝ ટેકિનકલસોર્સ તથા હયુમનસોર્સ આધારે જાણવા મળેલ કે ફરીયાદી વયોવૃધ્‍ધ મહીલાના ઘરમાં ચોરી થયેલ તેના જ પૌત્ર દ્વારા ઉપરોકત ગુનાને અંજામ આપવામાં આવેલ હોય જેથી આ કામે આરોપી મીલન ભરતભાઇ ગોંડલીયા રે. મોટાવડાળા તા. કાલાવડને પકડી આકરી પુછપરછ કરતા આરોપીએ સત્‍ય હકિકત જણાવી ગુનાની કબુલાત આપેલ તેમજ ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા આરોપી પાસેથી રીકવર કરવામાં આવેલ તેમજ ચોરીમાં ગયેલ સોનાના બુટીયા રાજકોટ ખાતે સોની વેપારીને વેંચી નાખેલ હોવાની હકિકત જણાવતા વેચાણથી સોનુ ખરીદનાર કલ્‍પેશ રમેશભાઇ ધોળકીયા રહે. રાજકોટ વાળાની ધરપકડ કરી ચોરીમાં ગયેલ મુદામાલ રીકવર કરવામાં આવેલ છે.

 પકડાયેલ મિલન ગોંડલીયા સામે કાલાવડમાં બે ગુન્‍હાઓ નોંધાય છે. પોલીસે રોકડ રૂા. ૧,પ૦,૦૦ સોનાના ઢાળીયો તથા મોબાઇલ મળી કુલ ૧,૯૭,૦૦૦ નો મુદામાલ  કબ્‍જે કર્યો હતો.

આ કાર્યવાહી ગોંડલ તાલુકાના પીઆઇ યુ.આર. ડામો, પીએસઆઇ આર.જે. જાડેજા, એચસી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ રાણા, અજયસિંહ પ્રવિણસિંહ, પંકજભાઇ તલસાણીયા, પીસી રાજદેવસિંહ ચુડાસમા, જયદિપભાઇ ધાધલ, ભગીરથભાઇ વાળા, રાજેન્‍દ્રસિંહ કનુભાઇ, પીસી ચંદનસિંહ પરમાર તથા પીસી રવિભાઇ પીપળીયા સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(11:33 AM IST)