<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ભાવનગરમાં ૫ વર્ષનાં દોહિત્રને ઝેરી દવા પીવડાવીને નાનીનો આપઘાત

માતા એ તોફાન કરવા બાબતે ઠપકો આપતા નાનીએ આવેશમાં આવીને પગલુ ભર્યુ : દોહિત્ર સારવારમાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૭: શહેરના વાલકેગેટ વાલ્મીકીવાસમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા શિલ્પાબેન ધરણીયાએ પોતાની માતા ભારતીબેન વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શિલ્પાબેન છૂટાછેડા બાદ પોતાના ૫ વર્ષના પુત્ર હેત સાથે માતા ભારતીબેન પાસે રહેતા હતા. શિલ્પાબેન નોકરીએ જતા હોવાથી બાળક મોટાભાગે નાની ભારતીબેન સાથે જ રહેતો હતો.

 દરમિયાન બપોરે બાળક હેત ઘરમાં તોફાન કરતો હોવાથી માતા શિલ્પાબેને તેને ઠપકો આપ્યો હતો. બાળકને ઠપકો આપ્યો તે બાબતે નાનીને ખોટું લાગ્યું હતું અને આ બાબતે શિલ્પાબેન અને તેમની માતા વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલીનું ભારતીબેનને એટલું માઠું લાગી આવ્યું કે તેમણે ઘરમાં રાખેલા અનાજમાં નાખવાના ઝેરી ટીકડા જાતે ખાઈ લીધા હતા.

 સાથોસાથ પોતાના મૃત્યુ બાદ બાળકની સંભાળ કોણ રાખશે તેવા વિચારથી તેમણે ૫ વર્ષના માસૂમ દોહિત્રને પણ ઝેરી દવા પીવડાવી દીધી હતી. બંનેની તબિયત લથડતાં પરિવારે ત્વરિત હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ ભારતીબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળકની તબિયત નાજુક હોવાથી તેની સઘન સારવાર ચાલી રહી છે. ગંગાજળિયા પોલીસે મૃતક ભારતીબેન સામે ગ્ફલ્ કલમ ૧૦૯(૧) હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(1:25 PM IST)