તા. ૬ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૫ શુક્રવાર
News of Friday, 27th November 2026
કચ્છના સિદ્ધ યોગી શ્રી હાજલદાદાના સમાધિ સ્થાન ભારાપર જાગીરમાં ભવ્ય ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવના આયોજનની તડામાર તૈયારીઓ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, પૂ.મોરારીબાપુ અને પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, આરએસએસના સર કાર્યવાહ કૃષ્ણ ગોપાલ, વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોકકુમાર સહિતના મહાનુભાવોને નાથ અને કાપડી સંપ્રદાયના સંતો-મહંતો તથા દેશના વિવિધ અખાડાઓના મઠાધીશોની ઉપસ્થિતિ, આઠમાન બત્રીસ ધૂણી ભંડારા મહોત્સવ, શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધના મૂળ શ્લોકોનું પારાયણ, દ્વાદશાક્ષર મંત્ર હોમાત્મક યજ્ઞ મહોત્સવ તેમજ બ્રહ્મલીન મહંત શ્રી દેવજીરાજા ગુરુશ્રી મૂળજીરાજાની દિવ્ય મૂર્તિની સ્થાપના સાથે સંતવાણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭ : કચ્છની પાવન ધરતી પર આવેલા સિદ્ધ યોગી શ્રી હાજલદાદાના સમાધિ સ્થાન ભારાપર જાગીર ખાતે આગામી તા. ૨ થી ૪ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન ભવ્ય ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય મહંત શ્રી ભરતરાજા ગુરુશ્રી દેવજીરાજા કાપડીની પાવન નિશ્રામાં યોજાનારા આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો, સંતવાણી, લોકડાયરો અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહોત્સવમાં શ્રી આઠમાન બત્રીસ ધૂણી ભંડારા મહોત્સવ, શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધના મૂળ શ્લોકોનું પારાયણ, દ્વાદશાક્ષર મંત્ર હોમાત્મક યજ્ઞ મહોત્સવ તેમજ બ્રહ્મલીન મહંત શ્રી દેવજીરાજા ગુરુશ્રી મૂળજીરાજાની દિવ્ય મૂર્તિની સ્થાપના સહિતનાં પવિત્ર ધાર્મિક અનુષ્ઠાનો યોજાશે.
મહોત્સવનું વિશેષ આકર્ષણ દેશભરમાંથી પધારનારા નાથ સંપ્રદાય, કાપડી સંપ્રદાય તેમજ વિવિધ અખાડાઓના પૂજ્ય સિદ્ધ યોગીઓ, સંતો, મહંતો અને મઠાધીશોનું સાનિધ્ય રહેશે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પૂજ્ય યોગી આદિત્યનાથજી મહારાજ, પૂજ્ય મોરારીબાપુ, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, કચ્છના રાજવી પરિવારનાં મહારાણી શ્રી પ્રીતિદેવીજી સાહેબ સહિતના રાષ્ટ્રીય સ્તરની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા અગ્રગણ્ય મહાનુભાવો ઉપસ્થિત રહી મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરશે.
ધાર્મિક મહોત્સવના ત્રણેય દિવસ રાત્રિના સમયે ભવ્ય સંતવાણી અને લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર અને લોકગાયકો કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહીર, રાજભા ગઢવી અને દેવાયત ખવડ સહિતના કલાકારો પોતાની આગવી કલાના માધ્યમથી ભક્તિરસ, લોકસંસ્કૃતિ અને કચ્છ-ગુજરાતની લોકપરંપરાની રંગત જમાવશે.
આમ, સિદ્ધ યોગી શ્રી હાજલદાદાના પાવન સમાધિ સ્થાન ભારાપર જાગીર ખાતે યોજાનારો આ ત્રિદિવસીય મહોત્સવ ધાર્મિક અનુષ્ઠાનો, સંતોના સાનિધ્ય અને લોકસંસ્કૃતિના સંગમરૂપ બની કચ્છના ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ત્રિવસીય ધાર્મિક અનુષ્ઠાન દ્વારા જ્ઞાન, ભક્તિ અને સમર્પણની ભારતીય સનાતન ધર્મ પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પવિત્ર સંકલ્પ સાકાર થશે.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
