<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ભુજમાં ‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-4’નો ભવ્ય પ્રારંભ: 400 ટીમો વચ્ચે ક્રિકેટ જંગ

મોરબી, માળીયા અને કચ્છના 5000 ખેલાડીઓ મેદાનમાં, 37 દિવસ સુધી છવાશે ક્રિકેટ ફીવર : ટુર્નામેન્ટ થકી ક્રિકેટ ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓને મજબૂત પ્લેટફોર્મ મળી રહેશે : સાંસદ વિનોદ ચાવડા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૬ : ‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-3’ની ભવ્ય સફળતા બાદ કચ્છ લોકસભા દ્વારા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ-ભુજના માધ્યમથી ગુજરાતની મોટી ઓપન ડે-નાઈટ ‘સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-4’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભુજ શહેરના જયુબિલી ગ્રાઉન્ડ ખાતે તા. 03/05/2026થી ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ કરાયો હતો.

 

આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે આ ટુર્નામેન્ટમાં કચ્છ-મોરબી-માળીયા લોકસભા ક્ષેત્રમાં આવતા ખેલાડીઓ ભાગ લેશે. ટુર્નામેન્ટ થકી ક્રિકેટ ક્ષેત્રે ઉભરતા ખેલાડીઓને મજબૂત પ્લેટફોર્મ મળી રહેશે. 37 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 400થી વધુ ટીમો અને 5000 જેટલા ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.

 

જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગ્રામ્ય કક્ષાએથી જ બાળકોને રમત-ગમત ક્ષેત્રે કૌવત બતાવવા ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ જેવા રમત મહોત્સવનું આયોજન કરી ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું છે. રમત જીવનમાં ખૂબ મહત્વની છે. તેનાથી મનને આનંદ મળે છે અને સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. રમત ઘણી બીમારીઓ સામે માનસિક રીતે લડવામાં મજબૂતી આપે છે.

 

તેમણે સાંસદ વિનોદભાઈ ચાવડા, સર્વે ખેલાડીઓ અને આયોજનમાં જોડાયેલા સૌને શુભકામનાઓ પાઠવી હતી.

(9:26 AM IST)