તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવની ભવ્ય પૂર્ણાહુતિ : ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને બિહારીદાસ ભક્તમાલીજીના સાન્નિધ્યમાં ધાર્મિક મહોત્સવ સંપન્ન
ઉત્તરકાંડના મહત્ત્વ અને આદર્શ શાસન વ્યવસ્થા પર ભાઈશ્રીનું વિશેષ પ્રવચન : પંચકુંડીય દુર્ગાષ્ટમી યાગ, શ્રીહરિ મંદિરમાં અન્નકૂટ દર્શન અને શ્રીભક્તમાલ કથાના રસપાન સાથે હજારો ભક્તોએ લીધો ધર્મલાભ

પોરબંદર : પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આયોજિત ૪૫મો ભવ્ય શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ પવિત્ર વાતાવરણમાં સંપન્ન થયો છે. આ નવ દિવસીય મહોત્સવ દરમિયાન ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી શ્રીરામચરિત માનસ પઠન અનુષ્ઠાન તથા પરમ પૂજ્ય બિહારીદાસ ભક્તમાલીજીના વરદ હસ્તે શ્રીભક્તમાલ કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું, જેની નવમા નોરતે સોમવારના રોજ પૂર્ણહુતિ કરવામાં આવી હતી.
શ્રીરામચરિત માનસ પઠન અને ઉત્તરકાંડનું મહત્ત્વ:
અનુષ્ઠાનના અંતિમ દિવસે ભાઈશ્રીએ શ્રીરામચરિત માનસના ઉત્તરકાંડનું વિશેષ મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે ભગવાન રામના રાજ્યાભિષેકથી લઈને આદર્શ શાસન વ્યવસ્થા, રાજધર્મ, આદર્શ રાજા અને પ્રજાના કર્તવ્યોનું સુંદર નિરૂપણ તુલસીદાસજી દ્વારા કરવામાં આવ્યું છે. જીવનમાં સાચો સંતોષ અને કૃતકૃત્યતાનો અનુભવ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન, ભક્તિ તથા માનસિક દોષોના નિવારણ અંગેની માર્ગદર્શક વાતો તેમણે રજૂ કરી હતી. આ ૪૫મા અનુષ્ઠાનનું પૂર્ણાહુતિ પુષ્પ પ્રભુ શ્રીરામભદ્રના ચરણોમાં અર્પણ કરતા તેમણે મા ભગવતીની કૃપા અને સાંદીપનિ પરિવારના સહયોગને બિરદાવ્યા હતા. આ વર્ષના અનુષ્ઠાનના મુખ્ય મનોરથી તરીકે ગં.સ્વ. કાંતાબેન સૂચક તથા સંજયભાઈ સૂચક પરિવાર દ્વારા સેવા આપવામાં આવી હતી, જેમનું ભાઈશ્રી દ્વારા વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું.
દુર્ગાષ્ટમી યાગ અને અન્નકૂટ મનોરથ:
નવરાત્રિના આઠમા નોરતે મહાગૌરીની આરાધના અવસરે સાંદીપનિ યજ્ઞશાળામાં શાસ્ત્રોક્ત વિધિથી પંચકુંડીય દુર્ગા સપ્તશતીપાઠપૂર્વક હોમાત્મક યજ્ઞ સંપન્ન થયો હતો, જેમાં ઋષિકુમારોએ આહુતિ આપી હતી. આ પાવન અવસરે શ્રીહરિ મંદિરમાં કરુણામયી માતાજીને ભવ્ય અન્નકૂટ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો, જેના દર્શનનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો.
શ્રીભક્તમાલ કથાનું સમાપન અને વિશેષ ઉપસ્થિતિ:
અપરાહ્ન સત્રમાં વૃંદાવનના શ્રીશરણાગત આશ્રમથી પધારેલા પરમ પૂજ્ય બિહારીદાસ ભક્તમાલીજી દ્વારા નાભાદાસજીકૃત શ્રી ભક્તમાલ કથાના માધ્યમથી દિવ્ય સંતોના ચરિત્રોનું રસપાન કરાવવામાં આવ્યું હતું, જેના વિરામ સમયે તેમનું ભાવપૂજન કરાયું હતું. આ સમગ્ર મહોત્સવમાં દેશ-વિદેશથી અને સ્થાનિક સ્તરેથી મોટી સંખ્યામાં ભાવિકો પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા તેમજ યુટ્યુબના માધ્યમથી હજારો લોકોએ જોડાઈને ધર્મલાભ લીધો હતો. સંસ્થા દ્વારા તમામ હરિભક્તો માટે રહેવા અને પ્રસાદની ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
