<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

જામનગરના હાપા જલારામ મંદિરમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી: ૧૦ બાય ૧૦ ફૂટનો વિશાળકાય બાજરીનો રોટલો બન્યો આકર્ષણનું કેન્દ્ર, ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરાવાયો

કાઠિયાવાડની પરંપરા, સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનો અનોખો સમન્વય: વિશાળકાય રોટલાને સંભવિત વિશ્વવિક્રમી આયોજન તરીકે રજૂ કરવામાં આવ્યો

( મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :જામનગરના હાપા વિસ્તારમાં આવેલા શ્રી જલારામ મંદિરમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતીની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે મંદિર દ્વારા અનોખું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૦ ફૂટ બાય ૧૦ ફૂટનો વિશાળકાય બાજરીનો મહા-રોટલો તૈયાર કરવામાં આવ્યો છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
પરંપરાગત કાઠિયાવાડી પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલા આ વિશાળકાય રોટલાને સંભવિત વિશ્વવિક્રમી આયોજન તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ પ્રકારનાં અનાજમાંથી તૈયાર કરાયેલા કુલ ૧૧૧ રોટલાનો ભવ્ય અન્નકૂટ પણ પૂજ્ય જલારામ બાપાને અર્પણ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પૂજ્ય જલારામ બાપાએ પોતાનું સમગ્ર જીવન માનવસેવા, પરોપકાર અને અન્નક્ષેત્રની સેવાઓને સમર્પિત કર્યું હતું. તેમના આ સેવાભાવી જીવન અને અન્નદાનના સંદેશને જીવંત રાખવાના હેતુથી યોજાયેલા આ મહોત્સવમાં કાઠિયાવાડની પરંપરા, સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે.
આ અનોખા મહા-રોટલા અને ૧૧૧ રોટલાના અન્નકૂટનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.( તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(7:25 PM IST)