<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

સાળંગપુરમાં અધિક જેઠ માસની ભવ્ય ઉજવણી: શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને વાનરસેના-પ્રકૃતિ થીમનો દિવ્ય શણગાર, ભવ્ય અન્નકૂટ ધરાવાયો

શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી અંને વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ કલરફૂલ વાઘા અને વનરાજીની પ્રતિકૃતિઓથી સજ્યું ગર્ભગૃહ, કાજુ કતરીથી ડ્રાયફ્રૂટ્સ સુધીની મીઠાઈઓનો અન્નકૂટ : 15 જૂન સુધી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન

રાજકોટ તા.૧ :  શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર 'અધિક જેઠ માસ' એટલે કે 'પુરુષોત્તમ માસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. હોળી ઉત્સવ નિમિત્તે આજે સોમવારે શ્રી  કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને  વાનરસેના અને પ્રકૃતિના થીમ આધારિત દિવ્ય શણગાર સાથે ભવ્ય અન્નકૂટ શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી અને શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ ધરાવવામાં આવ્યો હતો.  

           શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે અતિ મનોહર વિવિધ રંગોના મિશ્રણવાળા કલરફૂલ વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના મુખ્ય સિંહાસનની આસપાસ કુદરતી વનરાજી અને વન્યજીવોની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. 

        ગર્ભગૃહમાં રામભક્ત વાનરસેનાની સુંદર અને હસતી પ્રતિકૃતિઓ ગોઠવવામાં આવી હતી. ખિસકોલી, રંગબેરંગી મશરૂમ અને લીલાછમ પર્ણો દ્વારા આખા ગર્ભગૃહને એક સુંદર જંગલનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું, જે હજારો દર્શનાર્થે આવેલા ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

       શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે કાજુ કતરી, પેંડા, બરફી, લાડુ સહિત ડ્રાયફ્રૂટ્સની વિવિધ મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. સાંજે 5:00 થી 7:00 કલાક દરમિયાન રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.

પવિત્ર અધિકમાસ નિમિત્તે મંદિરના પટાંગણમાં પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ તા. 17 મે થી 15 જૂન 2026 સુધી દરરોજ સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન યોજાશે. 

ભક્તિસભર માહોલમાં હજારો હરિભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન માધ્યમથી દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અધિક માસમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શનનું અનેરું મહત્વ હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો સાળંગપુરધામ ઉમટી રહ્યા છે.

(2:04 PM IST)