<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું જામનગર એરપોર્ટ ખાતે ભવ્ય આગમન : જામનગર અને ધ્રોલના લતીપુરમાં વિવિધ કાર્યક્રમો અંગે બે દિવસીય મુલાકાતને લઈને તંત્ર સજ્જ

એરપોર્ટ પર મહાનુભાવો દ્વારા રાજ્યપાલનું ઉષ્માભર્યું સ્વાગત કરી ગાર્ડ ઓફ ઓનર અપાયું : પ્રશાસનિક અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ માટે જામનગર જિલ્લાની સત્તાવાર મુલાકાતે પધાર્યા છે. જામનગર એરપોર્ટ ખાતે તેમનું આગમન થતાં જ જિલ્લાના વિવિધ મહાનુભાવો દ્વારા તેમનું ભાવભર્યું અને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સ્વાગત વિધિ સંપન્ન થયા બાદ રાજ્યપાલને સન્માનપૂર્વક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

 જામનગર અને લતીપુર ગામે યોજાશે વિવિધ જનકલ્યાણ લક્ષી કાર્યક્રમો:
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આ બે દિવસીય મુલાકાત દરમિયાન જામનગર શહેર તેમજ ધ્રોલ તાલુકાના લતીપુર ગામે વિવિધ લોકઉપયોગી અને જાગૃતિલક્ષી કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે પ્રાકૃતિક કૃષિ સ્ટોલનું લોકાર્પણ, પર્યાવરણ શુદ્ધિ માટે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, ગ્રામીણ સ્તરે ખાટલા પરિષદ, સ્વાસ્થ્ય માટે યોગાસન, પ્રાયોગિક ધોરણે કરાયેલા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત તેમજ ધરતીપુત્રો સાથે કૃષિ સંવાદ સહિતના મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજવામાં આવશે.

 એરપોર્ટ પર સ્વાગત અર્થે ઉમટી પડ્યા રાજકીય અને પ્રશાસનિક આગેવાનો:
રાજ્યપાલના જામનગર આગમન વેળાએ તેમના સ્વાગત અને આગતાસ્વાગતા માટે વિસ્તારના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, મેયર શ્રીમતી મોનિકા વ્યાસ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી સહિત અગ્રણી શ્રીમતી બીનાબેન કોઠારીએ ઉપસ્થિત રહી રાજ્યપાલનું અભિવાદન કર્યું હતું.
આ ઉપરાંત પ્રશાસન તરફથી જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, જામનગર મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી નિશા તેમજ જિલ્લા પોલીસ વડા ડૉ.રવિ મોહન સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ એરપોર્ટ પર વ્યવસ્થા અને સ્વાગત અર્થે હાજર રહ્યા હતા.

(10:49 AM IST)