<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

જામનગરમાં 7 જૂનના રોજ યોજાનારી જી.પી.એસ.સી. પ્રીલિમ પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રોની 100 મીટર હદમાં કોપીયર મશીન, મોબાઈલ અને લાઉડ સ્પીકર પર પ્રતિબંધ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા જાહેરનામું જારી, સવારે 10:30 થી બપોરે 3:30 સુધી પ્રતિબંધ અમલી, ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા કલમ 223 હેઠળ શિક્ષા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩ :  ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી તા.07/06/2026ને રવિવારના રોજ જાહેરાત ક્રમાંક GPSC/202627/9994 ની પ્રીલીમીનરી પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા દરમ્યાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.  

 

ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉતરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે.  

 

આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના 100 મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન ધારકોએ તા.07/06/2026ના રોજ સવારે 10:30 કલાક થી બપોરે 3:30 કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં.  

 

ઉપરાંત પરીક્ષા કેન્દ્રોમાં કોઈએ મોબાઈલ, ઈલેકટ્રોનિક સાધનો, કેલ્કયુલેટર, ઈલેકટ્રોનિક વોચ કે અન્ય અનાધિકૃત સાહિત્ય વગેરે સાથે પ્રવેશ કરવા પર અને પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટર સુધીના વિસ્તારોમાં લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 તળે શિક્ષાપાત્ર થશે.  

 

પરીક્ષા માટે નક્કી કરાયેલા કેન્દ્રોમાં નેશનલ હાઇસ્કુલ, શ્રી આર.આર.શાહ હાઇસ્કુલ, શ્રી કાલિન્દી સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કુલ, શ્રી જેકુરબેન સોની કન્યા વિદ્યાલય, શ્રી પ્રણામી હાયર સેકન્ડરી સ્કુલ, શ્રી એલ.જી.હરિયા હાઈસ્કુલ, શ્રી ક્રિષ્ના સાયન્સ સ્કુલ, શ્રી સોઢા ઉમેદસિંહજી હાઇસ્કુલ, શ્રી ડી.સી.સી.વિવિધલક્ષી હાઇસ્કુલનો સમાવેશ થાય છે.

(2:50 PM IST)