તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
જામનગરના સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ : રસાયણમુક્ત ખેતી કરતા ખેડૂતો સાથે રાજ્યપાલે કર્યો સીધો સંવાદ
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયા 'પ્રાકૃતિક ખેડૂત હાટ' : વિવિધ તાલુકાના ૧૮ ખેડૂતોને શાકભાજી, ફળો, અનાજ અને મસાલા સહિતની પ્રોડક્ટ્સના સીધા વેચાણ માટે મળશે સ્થાયી બજાર

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુ વેગ આપવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જામનગરમાં આવેલા સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા 'પ્રાકૃતિક ખેડૂત હાટ' નું વિધિવત લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે રાજ્યપાલે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અપનાવનારા પ્રગતિશીલ ખેડૂતો સાથે ઉષ્માસભર સંવાદ સાધ્યો હતો અને જામનગર જિલ્લામાં થઈ રહેલી પ્રાકૃતિક ખેતીના વ્યાપ તથા પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
ખેડૂતોને વચેટીયાઓ વગર સીધા વેચાણની મળશે સુવર્ણ તક:ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટના સંયુક્ત માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના હેતુથી આ કૃષિ વેચાણ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક ખેતી કરતા ધરતીપુત્રોને તેમની રસાયણમુક્ત અને શુદ્ધ પેદાશોના સીધા વેચાણ માટે એક કાયમી અને સ્થાયી બજાર ઉપલબ્ધ કરાવવાનો છે. આ નવીન કેન્દ્રના માધ્યમથી જામનગરના જુદા-જુદા તાલુકાઓના અંદાજે ૧૮ જેટલા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને પોતાના ખેતરમાં ઉત્પાદિત થયેલા ઓર્ગેનિક શાકભાજી, સીઝનલ ફળો, અનાજ, કઠોળ, મસાલા, શુદ્ધ તેલ, ઓર્ગેનિક ગોળ અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદન આધારિત પ્રોડક્ટ્સનું કોઈપણ વચેટીયા વગર સીધું જ ગ્રાહકોને વેચાણ કરવાની ઉત્તમ તક સાંપડશે.
મંત્રી, ધારાસભ્ય અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ:જામનગર ખાતે આયોજિત આ લોકાર્પણ કાર્યક્રમમાં પ્રશાસન અને રાજકીય ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, જામનગરના મેયર શ્રીમતી મોનિકા વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને ડેપ્યુટી મેયર રાકેશ ડેર વિશેષ રૂપે હાજર રહ્યા હતા.
આ ઉપરાંત વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓમાં જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી નિશા, જિલ્લા પોલીસ વડા ડૉ.રવિ મોહન સૈની તેમજ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર કે.એસ.ઠક્કર સહિતના પ્રશાસનિક અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ ઉપસ્થિત રહીને આ પ્રોજેક્ટને આવકાર્યો હતો. આ કેન્દ્ર શરૂ થવાથી જામનગરના શહેરીજનોને શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય સામગ્રી સરળતાથી મળી રહેશે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
