તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
સરકાર આંદોલનને જેમ દબાવશે, તેમ ડબલ તાકાતથી આગળ વધશેઃ મનોજ પનારા
સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને એકત્રિત થઈ જિલ્લા અને તાલુકા મથકોએ આવેદન પત્ર આપવા અપીલ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૫: ખેડૂતો દ્વારા વીજલાઈન વળતરના પરિપત્રના વિરોધમાં વિશાળ પદયાત્રા યોજી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું. આ મામલે પાટીદાર યુવા સેવા સંઘના મનોજ પનારાએ પ્રતિક્રિયા આપી સરકારને ચેતવણી આપી છે કે જેમ આંદોલનને દબાવવાનો પ્રયત્ન કરશો, તેમ આ આંદોલન ડબલ તાકાતથી આગળ વધશે.
મનોજ પનારાએ જણાવ્યું છે કે સરકારનો વર્તમાન પરિપત્ર ખેડૂતોને બિલકુલ મંજૂર નથી. સરકાર દ્વારા આપવામાં આવતું ૨ ગણું વળતર ખેડૂતો સ્વીકારશે નહીં. કેન્દ્ર સરકારના કાયદા મુજબ ખેડૂતોને તેમની જમીનનું ૪ ગણું વળતર જ મળવું જોઈએ. જો ખેડૂતોની આ ન્યાયી માંગ પૂરી ક૨વામાં નહીં આવે, તો અદાણી કે અંબાણી જેવી કંપનીઓને ખેડૂતો પોતાના ખેતરમાં થાંભલા ખોડવા દેશે નહીં.
આ આંદોલનને મજબૂત ટેકો આપવા માટે મોરબી જિલ્લાની ૩૫૦ જેટલી ગ્રામ પંચાયતો અને ગ્રામ સભાઓના લેટરો સાથે કલેક્ટરને આવેદન પત્ર સોંપવામાં આવ્યું છે. આ આવેદન પત્ર દ્વારા સરકારને સ્પષ્ટ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવે.
મનોજ પનારાએ સરકાર અને પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, છેલ્લા ૫ દિવસથી આંદોલનનું નેતળત્વ કરી રહેલા અગ્રણીઓને દબાવવા અને ધમકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમની ગૌશાળાઓમાં નોટિસો મોકલવામાં આવી રહી છે અને તેમના કામ-ધંધા પર રેડ પાડીને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું કે, તમે જેમ આંદોલનને દબાવવાનો પ્રયત્ન કરશો, તેમ આ આંદોલન ડબલ તાકાતથી આગળ વધશે. ઇતિહાસ સાક્ષી છે કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવા છતાં દેશની ક્રાંતિ અટકી નહોતી. તમે એકને હેરાન કરશો તો ૧૦૦૦ આવશે અને ૧૦૦૦ને કરશો તો લાખો ખેડૂતો રસ્તા પર ઉતરી આવશે, પણ ખેડૂતો તમારી તાનાશાહી સ્વીકારશે નહીં.
મોરબીથી શરૂ થયેલા આ આક્રોશને આગળ ધપાવતા મનોજ પનારાએ સમગ્ર ગુજરાતના ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ પણ પોતપોતાના તાલુકા અને જિલ્લા મથકોએ હજારોની સંખ્યામાં એકત્રિત થઈ, વ્યવસ્થિત પ્લાનિંગ સાથે સરકારને આવેદન પત્ર આપે.
૪ ગણા વળતર સિવાય સરકારની કોઈ પણ વાત ખેડૂતો માન્ય રાખશે નહીં તેવો મક્કમ નિર્ધાર ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
જ્યાં સુધી સરકાર અમારી માંગણી નહિ સ્વીકારે ત્યાં સુધી ખેડૂત આંદોલન યથાવત જ રહેશેઃ ખેડૂત સમિતિ મક્કમ
મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરી સુધી વિશાળ પદયાત્રા યોજી જિલ્લા કલેકટરને આવેદન અપાયું
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
