તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
ઓછો વરસાદ ધરાવતા જિલ્લાના પશુપાલકોને સરકારની રાહત: પોરબંદરમાં ₹2 પ્રતિ કિલોના દરે ઘાસ વિતરણ શરૂ : જુઓ વિડિયો
વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પત્રકાર પરિષદ: પીવાના પાણી અને રોજગારી માટે આગોતરું આયોજન, પાણીચોરી કરનારા સામે કડક કાર્યવાહીની ચેતવણી

પોરબંદર: ચાલુ વર્ષે રાજ્યના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસાદની ખેંચના કારણે સર્જાયેલી અછતની સ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સરકારે ખેડૂતો અને પશુપાલકોની વહારે આવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. પોરબંદર ખાતે પોતાના નિવાસ્થાને યોજેલી પત્રકાર પરિષદમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અછતગ્રસ્ત વિસ્તારોમાં પશુપાલકોને રાહત દરે ઘાસ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
પશુદીઠ ₹2ના દરે ઘાસ વિતરણ અને નવા કાર્ડ કઢાવવા અપીલ
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પોરબંદર શહેરમાં ઘાસ ડેપો શરૂ કરી દેવાયો છે, જ્યાં પશુદીઠ (વધુમાં વધુ 5 પશુ માટે) ₹2 પ્રતિ કિલોના રાહત દરે ઘાસ આપવામાં આવી રહ્યું છે. ઘાસકાર્ડ ધરાવતા પશુપાલકોને દર 10 દિવસે ઘાસ અપાશે. જે પશુપાલકોએ હજુ કાર્ડ નથી કઢાવ્યા તેમને વહેલી તકે કાર્ડ કઢાવી લેવા અપીલ કરાઈ છે. આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં વધુ ઘાસ ડેપો શરૂ કરાશે. આ ઉપરાંત ખેતમજૂરો માટે 'જી રામજી' યોજના હેઠળ રોજગારી ઉપલબ્ધ કરાવવાનું પણ આયોજન છે.
પીવાના પાણીનું આગોતરું આયોજન
જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. હાલ ફોદાળા અને ખંભાળા ડેમમાં પાણી ઉપલબ્ધ છે, પરંતુ ભવિષ્યમાં જરૂર જણાય તો ડેમ સાઇટ પર કૂવા ખોદવા અને નર્મદાની પાઇપલાઇન મારફતે વધારાનો પુરવઠો પહોંચાડવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
પાણીચોરી સામે કડક કાનૂની પગલાં અને પાક નુકસાનીનો સર્વે
મંત્રીશ્રીએ સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, પીવાના પાણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે અને જો મુખ્ય લાઇન કે અન્ય જગ્યાએથી પાણીચોરીની ફરિયાદ આવશે તો કોઈપણ બાંધછોડ વિના કડક કાનૂની કાર્યવાહી કરાશે. ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ નિયમ મુજબ સર્વે અને આનાવારી કરીને ખેડૂતોના પાક નુકસાની અંગે સરકારી મેન્યુઅલ મુજબ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
