<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

કચ્છમાં વરસાદ ખેંચાતાં માલધારીઓની મદદે આવી સરકાર: માંડવી તાલુકામાં ૧૦ ઘાસડેપો પરથી ૪ લાખ કિલો ઘાસનું રાહત દરે વિતરણ, પશુપાલકોમાં ખુશીની લહેર

બજારમાં ₹૧૬ પ્રતિ કિલો મળતું ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઘાસ પશુપાલકોને માત્ર ₹૨ માં અપાશે: ૧.૪૦ લાખથી વધુ પશુધનને આવરી લેવા ૫,૩૦૦ ઘાસકાર્ડ ઇશ્યૂ કરાયા

ભુજ : દેશના વિસ્તારની દ્રષ્ટિએ બીજા નંબરના સૌથી મોટા કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતાં દુષ્કાળ જેવી કપરી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જેને પગલે સ્થાનિક માલધારીઓ અને પશુપાલકોમાં પોતાના પશુધનને લઈને ભારે ચિંતા વ્યાપી હતી. જોકે, આવી કટોકટીની ઘડીમાં રાજ્ય સરકારે પશુધનના ઘાસચારાની જરૂરિયાત પૂરી કરવા માટે મોટો રાહતનો હાથ લંબાવ્યો છે. સમગ્ર કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૭ લાખ કિલોગ્રામથી વધુ ઘાસ પહોંચાડી દેવામાં આવ્યું છે, જ્યારે તાલુકા મથકો પર નવા ઘાસકાર્ડ ઇશ્યૂ કરીને વિતરણ કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે.

માંડવી તાલુકા મામલતદાર પ્રદ્યુમનાસિંહ જેઠવાના જણાવ્યા અનુસાર, માંડવી પંથકમાં ગત ૨૩ જુલાઈથી અત્યાર સુધીમાં ૪ લાખ કિલોગ્રામથી વધુ ઘાસચારાનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું છે. તાલુકાના ૯૦ ગામોના ૧,૪૦,૦૮૯ જેટલા વિશાળ પશુધનને આ યોજના હેઠળ આવરી લેવા માટે ૫,૩૦૦થી વધુ ઘાસકાર્ડ ઈશ્યૂ કરી દેવાયા છે. માલધારીઓને ઘાસ મેળવવામાં સરળતા રહે તે માટે સમગ્ર માંડવી તાલુકામાં અલગ-અલગ સ્થળે કુલ ૧૦ ઘાસડેપો કાર્યરત કરવામાં આવ્યા છે.

આ રાહત કામગીરી અંગે વિગતો આપતાં કોડાયના સરપંચ વિરલ જોશીએ જણાવ્યું હતું કે, કોડાય ખાતે શરૂ કરાયેલા કેન્દ્ર પરથી આસપાસના ૧૧ ગામોના પશુપાલકોને સાંકળી લેવામાં આવ્યા છે. ખુલ્લા બજારમાં જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઘાસ પ્રતિકિલો રૂ. ૧૫ થી રૂ. ૧૬ ના ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે, તે જ ઘાસ રાજ્ય સરકાર દ્વારા ભારે સબસિડી આપીને માલધારીઓને માત્ર રૂપિયા ૨ ના ટોકન દરે પૂરું પાડવામાં આવી રહ્યું છે.

સરકારના આ સરાહનીય પગલાંથી આર્થિક બોજ હેઠળ દબાયેલા માંડવી પંથકના પશુપાલકો અને માલધારી સમુદાયે ભારે રાહતની લાગણી અનુભવી છે અને તંત્રનો આભાર માન્યો છે.

(7:28 PM IST)