News of Sunday, 26th April 2026
ગોંડલના હાઈવે પર રક્તરંજિત રાત્રિ: ટાયર ફાટતાં બોલેરો બ્રિજની દીવાલ તોડી પલટી, 30 ફૂટ નીચે પટકાતા બે શ્રમિકોના કમકમાટીભર્યા મોત
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર મોતની ચીસ ગુંજી ઉઠી, પીકઅપની છત પર સૂતેલા શ્રમિકો હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા, 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલના બિછાને

ગોંડલ : રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર આવેલી ગુંદાળા ચોકડી પાસે ગત રાત્રે એક કાળજું ધ્રુજાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી જેતપુર તરફ માછીમારીની જાળ અને ગેસ સિલિન્ડર ભરીને જઈ રહેલી બોલેરો પીકઅપનું ટાયર ઓવરબ્રિજ પર અચાનક ફાટ્યું હતું. ટાયર ફાટતા જ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી બ્રિજની સંરક્ષણ દીવાલ સાથે ધડાકાભેર અથડાઈને પલટી મારી ગઈ હતી. આ ભયાનક ટક્કરને કારણે ગાડીની ઉપર સૂતેલા શ્રમિકો સીધા 30 ફૂટ નીચે રોડ પર પટકાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ ગમખ્વાર દુર્ઘટનામાં રીતેષ સહની સહિત બે શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા છે. સામાનની ઉપર બેઠેલા શ્રમિકો હવામાં ફંગોળાઈને નીચે પટકાતા અન્ય ચાર શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ માનવતા દાખવી 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ પોતાના વાહનોમાં ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં ગોંડલ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી એકની હાલત અત્યંત નાજુક હોવાનું જણાતા તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે.
હોસ્પિટલ ખાતે હાલ મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. પોલીસ કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરલોડ સામાન અને ટાયર ફાટવાને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાઈવે પર વારંવાર બનતા આવા અકસ્માતોએ વાહનચાલકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
