News of Wednesday, 9th September 2026
ગોંડલમાં ૬૮ વર્ષના ગગજીભાઇને પાર્થ સહિતે ધોકા ફટકારતાં હાથ ભાંગી ગયો
દિકરા ભાવેશ સાથે પાર્થ અને તેનો ભાઇ ઘરે આવી ડખ્ખો કરતાં હોઇ વચ્ચે પડતાં હુમલો કરાયોઃ સારવાર માટે રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૮: ગોંડલમાં રહેતાં વૃધ્ધ પર બે શખ્સોએ ધોકાથી હુમલો કરી હાથ ભાંગી નાંખતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. આ વૃધ્ધના દિકરાને બજારમાં માથાકુટ થઇ હોઇ બે શખ્સો ઘરે આવીને તેમના દિકરા સાથે ઝઘડો કરતાં હોઇ પોતે વચ્ચે પડતાં તેમને ધોકાવાળી કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ ગોંડલના ભગવતપરામાં રહેતાં ગગજીભાઇ બીજલભાઇ મકવાણા (ઉ.વ.૬૮) રાતે સાડા દસેક વાગ્યે ઘરે હતો ત્યારે પાર્થ અને તેના ભાઇ સહિતના શખ્સોએ આવી ગગજીભાઇના દિકરા ભાવેશ સાથે માથાકુટ ચાલુ કરી હતી. દેકારો થતાં તેઓ બહાર જોવા આવતાં દિકરા સાથે મારામારી ઝપાઝપી થતી હોઇ તેને બચાવવા તેઓ વચ્ચે પડયા હતાં.
આ વખતે પાર્થ સહિતે તેમના પર હુમલો કરી હાથમાં ધોકાના ઘા ફટકારી દીધા હતાં. આ કારણે તેઓ પડી ગયા હતાં. દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. ગગજીભાઇને ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં હાથમાં ફ્રેકચર જેવી ઇજા હોવાનું કહેવાતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. ગગજીભાઇ ફ્રુટ વેંચી ગુજરાન ચલાવે છે. સંતાનમાં બે દિકરી અને ત્રણ દિકરા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
