તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
ઉપલેટામાં સોની વેપારી સાથે ઠગાઇઃ ગઠીયો ૪.૯૫ લાખના બે ચેઇન ઘરે બતાવવા માટે લઇ જઇ ગાયબ
દેવકરણ નારણજી જ્વેલર્સવાળા મિહીરભાઇ ધોળકીયા સાથે બનાવ બન્યો : પહેલી વખત દુકાને આવી પોતે માણાવદરનો દર્શન મહેતા હોવાનું અને બાજુમાં ચંદુભાઇની દુકાન ભાડે રાખી છે તેવું કહ્યું: બીજી વાર આવી લગ્ન પ્રસંગ માટે દાગીના ખરીદવાની વાત કરીઃ ત્રીજી વખત આવી બે ચેઇન ઘરે બતાવવાના બહાને લઇને ગયો તે ગયો

રાજકોટ તા. ૨૪: ઉપલેટામાં સોનાના દાગીનાની દુકાન ચલાવતાં વેપારી પાસે એક શખ્સ પોતે માણાવદરનો વતની છે, ઉપલેટામાં દુકાન ભાડે રાખી છે તેમ કહીને આવ્યા બાદ પોતાને ઘરે લગ્ન પ્રસંગ હોઇ દાગીના બનાવવાના થશે તેવી વાત કરી બે વખત આવી રીતે આવ્યા બાદ ત્રીજી વખત આવી સોનાના બે ચેઇન રૂા. ૪.૯૫ લાખના પસંદ કરી ઘરે પત્નિને બતાવીને હમણાં જ આવે છે તેમ કહીને ગયા બાદ પરત જ ન આવતાં વેપારીએ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં પોલીસે ઉપલેટામાં વિજળી રોડ પર ચોઇસ બ્યુટી પાર્લરની બાજુમાં રહેતાં અને ઉપલેટા રાજ માર્ગ પર દેવકરણ નારણજી જ્વેલર્સ નામે સોનાના દાગીનાની દુકાન ચલાવતાં મિહીરભાઇ દિલીપભાઇ ધોળકીયા-સોની (ઉ.વ.૪૫) નામના વેપારીની ફરિયાદ પરથી માણાવદર રહેતાં દર્શન કરસનભાઇ મહેતા વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે.
મિહીરભાઇ ધોળકીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને ઉપલેટા ખાતે રાજમાર્ગ પર દેવકરણ નારણજી જ્વેલર્સ નામે સોનીકામની દુકાન છે, જ્યા બેસી સોના ચાંદીના દાગીના બનાવું છું તથા વેપાર કરૂ છું. આ દુકાનમાં વેપાર કરવા માટે હું રાજકોટ સોની બજારમાંથી સોનાની ખરીદી કરી ઉપલેટા ખાતે તેના દાગીના બનાવી વેચું છું. ગઈ તા. ૨/૬ના રોજ મારી દુકાને એક વ્યક્તિ આવેલ અને પોતે દર્શન કરશનભાઈ મહેતા હોવાનું અને માણાવદરથી આવેલ હોવાની વાત કરી હતી. આ પછી તેણે કહ્યું હતું કે તેણે ઉપલેટા આદર્શ શેરીમાં મીત લેબોરેટરીની બાજુમાં ચંદુભાઈ પટેલની દુકાન ભાડે રાખેલ છે અને તેના ભાઈના લગ્ન હોઇ જેથી સોનાના દાગીના ખરીદી કરવાની છે.
આ વાત કર્યા બાદ તે જતો રહેલ અને બાદમાં તા. ૪/૬ના રોજ ફરીથી તે મારી દુકાને આવ્યો હતો અને સોનાનો ભાવ પુછેલ હતો. આ પછી ત્રીજીવાર તા. ૬/૬ના સાંજે ચારેક વાગ્યે ફરીથી આ દર્શન નામ આપનાર શખ્સ મારી દુકાને આવેલ અને મને વાત કરેલ કે મારે સોનાના ચેઇન બનાવવાના છે. જેથી મેં તેને અલગ અલગ ડીઝાઈનોવાળા ચેઇન બતાવેલ. જેમાંથી દર્શન મહેતાએ બે સોનાના ચેઇન પસંદ કર્યા હતાં. જેનો વજન ૩૧ ગ્રામ થયો હતો. જેની બજાર કિંમત રૂ, ૪,૯૭,૦૦૦ ગણાય છે. દર્શને આ ચેઇન પસંદ કરી પોતાને ઘરે બતાવવા પડશે તેવી વાત કરી હતી.
તેણે મને કહેલું કે તમે મને ચેઇન આપો હું સાંજ સુધીમાં તમને પાછા આપી જઇશ. તે અગાઉ પણ મારી દુકાને બે વાર આવી ગયેલ હોઇ જેથી મેં વિશ્વાસ રાખી આ બે સોનાના ચેઇન તેને જોવા માટે આપી દીધા હતાં. પણ મોડે સુધી ચેઇન પાછા આપવા તે ન આવતાં મેં તેને ફોન નંબર આપેલા હોઇ તે ડાયલ કરતાં ફોન પણ બંધ આવતો હતો. આ પછી વારંવાર મેં ફોન જોડયો હતો. પણ ફોન બંધ જ હતો. જેથી આ દર્શને પોતે ચંદુભાઈ પટેલની દુકાન ભાડે રાખી છે તેવી વાત કરી હોઇ હું ચંદુભાઇને આ દર્શન વિશે પુછવા જતાં ચંદુભાઇએ કહેલું કે આ નામનો એક શખ્સ આવ્યો હતો અને પોતાનું નામ દર્શન મહેતા હોવાનું કહ્યું હતું. પરંતુ પછી તે આવ્યો નથી. જેથી તેનું સાચું નામ દર્શન મહેતા છે કે કેમ તેની પણ શંકા છે. તેમ વધુમાં મિહીરભાઇ ધોળકીયાએ જણાવતાં એએસઆઇ પી. પી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
