<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

ગોકુલ ડેરી પર કબજાનો જંગ :મહારાષ્ટ્ર સરકારના નવા વટહુકમ સામે કોલ્હાપુરમાં ખેડૂતોમાં આક્રોશ :પશુઓ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

- નામાંકિત સભ્યોના બળે સત્તા કબજે કરવાના આ રાજકીય હસ્તક્ષેપ સામે કોલ્હાપુરમાં ખેડૂતોનો જ્વાળામુખી ફાટ્યો:હજારોની સંખ્યામાં દૂધ ઉત્પાદકો પોતાના પશુઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા

મહારાષ્ટ્રના રાજકારણમાં અત્યારે કોલ્હાપુરની સુપ્રસિદ્ધ ગોકુલ દૂધ સહકારી સંઘની ચૂંટણી અને ત્યારબાદ સર્જાયેલા વિવાદે ભારે ચર્ચા જગાવી છે. ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારે ૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી સહકારી સંસ્થાઓની મેનેજિંગ કમિટીમાં પાંચ નામાંકિત સભ્યોની નિમણૂક કરવાની અને તેમાંથી ચાર સભ્યોને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં મતદાનનો અધિકાર આપતી જોગવાઈ કરતો વટહુકમ બહાર પાડ્યો છે.

   સરકારના આ વટહુકમને કારણે ગોકુલ ડેરીના સંચાલન અને સત્તાના સમીકરણોમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જેને લઈને વિરોધ પક્ષો અને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. તાજેતરમાં જ યોજાયેલી ગોકુલ ડેરીની ૨૫ બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા અને સતેજ પાટીલના નેતૃત્વ હેઠળની રાજર્ષિ શાહૂ શેતકરી સમવિચારી અઘાડીએ ૧૩ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે મહાયુતિ ગઠબંધનને ૧૨ બેઠકો મળી હતી.

 વિપક્ષોનો ગંભીર આરોપ છે કે ચૂંટણીમાં જનાદેશ વિપક્ષની તરફેણમાં આવતા ભાજપ સરકારે જાણી જોઈને સહકારી નિયમોમાં ફેરફાર કર્યો છે જેથી નામાંકિત સભ્યોના બળે સત્તા કબજે કરી શકાય. આ રાજકીય હસ્તક્ષેપ સામે કોલ્હાપુરમાં ખેડૂતોનો જ્વાળામુખી ફાટ્યો છે અને હજારોની સંખ્યામાં દૂધ ઉત્પાદકો પોતાના પશુઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.

(6:16 PM IST)