તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
પવિત્ર યાત્રાધામ રામેશ્વરધામ ખાતે રામેશ્વર બાપુના દિવ્ય મુખારવિંદથી ભવ્ય રામકથાનો પ્રારંભ : ભવ્ય પોથીયાત્રા સાથે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો
અયોધ્યા સત્યની, વૃંદાવન પ્રેમની અને રામેશ્વરધામ કરુણાની ભૂમિ છે : બાપુએ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી જીવનમાં કરુણા અને ગુરુ મહિમાનું મહત્ત્વ સમજાવ્યું

રામેશ્વરધામ: પવિત્ર અને આધ્યાત્મિક નગરી રામેશ્વરધામ ખાતે રામેશ્વર બાપુના દિવ્ય સાનિધ્યમાં ભવ્ય રામકથાનો મંગલારંભ થયો છે. કથાના પ્રારંભ પૂર્વે એક ભવ્ય અને દિવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ અને ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. કથાના પ્રારંભે ઉપસ્થિત સૌ શ્રોતાજનોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
અયોધ્યા, વૃંદાવન અને રામેશ્વરધામનું આધ્યાત્મિક મહત્ત્વ:
કથાના પ્રારંભિક સત્રમાં વ્યાસપીઠ પરથી રામેશ્વર બાપુએ આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન રજૂ કરતા જણાવ્યું હતું કે, અયોધ્યા સત્યની ભૂમિ છે જ્યાં સ્વયં ભગવાન રામ સત્યના સ્વરૂપમાં બિરાજમાન છે, જ્યારે વૃંદાવન પ્રેમની ભૂમિ છે જ્યાં ભગવાન કૃષ્ણ પ્રેમ સ્વરૂપમાં વિરાજે છે. આ સાથે તેમણે રામેશ્વરધામ વિશે ચર્ચા કરતાં કહ્યું હતું કે આ કરુણાની ભૂમિ છે, જ્યાં કરુણાના અવતાર સમાન ભગવાન શિવ સ્વયં બિરાજમાન છે.
કરુણા અને ગુરુ ભક્તિ વિના જીવન અધૂરું:
માનવ જીવનમાં કરુણાના સ્થાન વિશે માર્ગદર્શન આપતા બાપુએ સ્પષ્ટ કર્યું હતું કે, જે જીવ રામેશ્વરધામના દર્શન કરે છે તેની અંદર સ્વાભાવિક રીતે જ કરુણા પ્રગટે છે. જીવનમાં જ્યારે કરુણા પ્રગટે ત્યારે જ માનવી ઉત્તમ અને સાર્થક જીવન જીવી શકે છે. કરુણા વગરનું જીવન વ્યક્તિના ભજન અને સાધનામાં પણ વિઘ્નરૂપ બને છે, અને એટલા માટે જ કરુણામય જીવન જ માનવીને સાચો આનંદ આપે છે.
સનાતન પંચદેવ વંદના અને ગુરુ મહિમા:
રામકથાના મંગલ પ્રારંભે સનાતન પંચદેવની વંદના કરવામાં આવી હતી અને ત્યારબાદ પવિત્ર ગુરુ ગીતાનો મહિમા ગવાયો હતો. ગુરુની અનિવાર્યતા પર ભાર મૂકતા બાપુએ જણાવ્યું હતું કે જીવનમાં ગુરુ હોવા અત્યંત આવશ્યક છે, કારણ કે ગુરુ વગર આ સૃષ્ટિમાં પાંદડું પણ ડગી શકતું નથી. ગુરુના આશીર્વાદથી જ મનુષ્ય પરમ તત્વને પામી શકે છે. આપણે સનાતનની ભૂમિ પર બેઠા છીએ અને બાબાજીના ગ્રંથ તેમજ રામાયણને આધાર બનાવીને બેઠા છીએ ત્યારે ગુરુ એ જ આપણા માટે સ્વયં શંકર અને કરુણાના અવતાર છે તેમ જણાવીને કથાના પ્રથમ દિવસે ઉપસ્થિત ભક્તોને ધન્ય કર્યા હતા. (અહેવાલ - મુકેશ પંડિત)
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
