તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
કચ્છના ખાવડામાં વૈશ્વિક કંપની 'એન્જી' નો ૨૦૦ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ સફળતાપૂર્વક કાર્યરત: વાર્ષિક ૩૫ કરોડ યુનિટ સ્વચ્છ વીજળીનું થશે ઉત્પાદન
વિશ્વના સૌથી વિશાળ રીન્યુએબલ એનર્જી પાર્કમાં ૨૫ વર્ષના વીજ ખરીદ કરાર હેઠળ શરૂ કરાયેલા આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે રોજગારીને મળશે વેગ; ભારતમા કંપનીની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ૨ ગીગાવોટ પર પહોંચી.

ભુજ : વૈશ્વિક ઊર્જા ક્ષેત્રની અગ્રણી કંપની એન્જી દ્વારા સરહદી કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ૨૦૦ મેગાવોટની ક્ષમતાનો સોલાર પ્રોજેક્ટ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યો છે, જેનાથી દેશમાં સ્વચ્છ અને હરિત ઊર્જાના ઉત્પાદનને વધુ એક મોટું બળ મળ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કચ્છના મોટા રણમાં નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી વિશાળ ખાવડા રીન્યુએબલ એનર્જી પાર્કમાં આ પ્રોજેક્ટ એનરેન-2 એનર્જી પ્રાઈવેટ લિમિટેડ મારફતે વિકસાવવામાં આવ્યો છે, જેમાંથી વાર્ષિક આશરે ૩૫ કરોડ એટલે કે ૩૫૦ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થશે અને આ વીજળી ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ને ૨૫ વર્ષના કરાર હેઠળ પૂરી પાડવામાં આવશે.
ઘટનાની વિગતવાર માહિતી આપતા એન્જી ઇન્ડિયાના સીઈઓ અને કન્ટ્રી મેનેજર અમિત જૈને જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ પ્રકલ્પ પુનઃપ્રાપ્ય ઊર્જા વિકાસની સાથે સ્થાનિક કક્ષાએ રોજગારી નિર્માણ પ્રત્યેની કંપનીની કટિબદ્ધતા દર્શાવે છે, કારણ કે પ્રોજેક્ટના બાંધકામ દરમિયાન અંદાજે ૮૦ ટકા જેટલા શ્રમિકો અને માનવબળની ભરતી સ્થાનિક સ્તરેથી જ કરવામાં આવી હતી.
કંપનીના વિસ્તરણની વિગતો આપતા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે રાજસ્થાનના બાડમેર ખાતે ૨૫૦ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ પણ શરૂ કરાયો છે, જેના કારણે કચ્છ અને બાડમેર બંને પ્લાન્ટ મળીને એન્જીની ઓપરેશનલ સૌર ક્ષમતામાં ૪૫૦ મેગાવોટનો મોટો ઉમેરો થયો છે અને ભારતમાં કંપનીની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા ૨ ગીગાવોટ થઈ ગઈ છે.
અગાઉ આ કંપનીએ જીયુવીએનએલ પાસેથી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) અને સંયુક્ત હાઇબ્રિડ પ્રોજેક્ટ્સ પણ મેળવ્યા છે, જે ભવિષ્યમાં સોલાર સાથે બેટરી સ્ટોરેજ અને હાઇબ્રિડ ઊર્જા ક્ષેત્રે કંપનીની મજબૂત ઉપસ્થિતિના સંકેત આપે છે.
આગામી સમયમાં આ હરિત ઊર્જા પ્રોજેક્ટ્સના માધ્યમથી રાજ્યમાં વીજ ઉત્પાદનને પ્રોત્સાહન મળવાની સાથે પર્યાવરણ સંરક્ષણ અને આર્થિક વિકાસને પણ વેગ મળશે તેવી પૂરી સંભાવના છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
