News of Sunday, 12th July 2026
વેરાવળ મોટા કોળીવાડામાં SMCની જુગારધામ રેડ અને પોલીસ પર હુમલા બાદ ગીરસોમનાથ પોલીસ બેડામાં ભારે ખળભળાટ : ૫ ઉચ્ચ અધિકારીઓ લિવ રિઝર્વમાં અને ૪ પોલીસકર્મીઓ ફરજ મોકૂફ
એસપી જયદીપસિંહ જાડેજાએ ડીવાયએસપી અમિત ખટાણાના અધ્યક્ષસ્થાને SITની કરી રચના : ગુનામાં સામેલ ૨૧ આરોપીઓ ૭ દિવસના રિમાન્ડ પર : નાસતા ફરતા અન્ય તત્વોને ઝડપી લેવા કવાયત તેજ

(દિપક કક્કડ દ્વારા) સોમનાથ: ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના મોટા કોળીવાડા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી જુગારધામ પરની રેડ અને ત્યારબાદ પોલીસ ટીમ પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. આ હુમલા દરમિયાન આશરે ૨૦૦ જેટલા લોકોના ટોળાએ પોલીસ ટીમ પર હુમલો કરી, ફરજમાં રૂકાવટ પહોંચાડી ખૂની હુમલો કર્યો હતો. આ ગંભીર ઘટનામાં બચાવ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પીએસઆઈ સિસોદિયાએ ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી. સમગ્ર બનાવને લઈને નોંધાયેલી જુગાર તથા સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદના આધારે આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને એસપી જયદીપસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ ભારે હરકતમાં આવ્યા છે. પોલીસ વિભાગે અત્યાર સુધીમાં ૨૧ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને કોર્ટે તેમના ૭ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે.
વહીવટી પગલાં - ૨ પીઆઈ અને ૩ પીએસઆઈ લિવ રિઝર્વમાં:
આટલા મોટા જુગારધામના સંચાલન અને પોલીસ પર થયેલા હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે ઉચ્ચ પોલીસ પ્રશાસન દ્વારા કડક વહીવટી પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં પાંચ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે:
એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એસ. વી. રાજપૂત
વેરાવળ સિટી પીઆઈ ગઢવી
એલસીબી પીએસઆઈ એચ.એલ. જેબલિયા
એલસીબી પીએસઆઈ એ. સી. સિંધવ
રામભરોસા પોલીસ ચોકીના પીએસઆઈ પ્રજાપતિ
બે એએસઆઈ સહિત ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડ:
સ્થાનિક સ્તરે બેદરકારી બદલ વેરાવળ શહેરમાં ફરજ બજાવતા ચાર પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં નીચે મુજબના પોલીસકર્મીઓ સામેલ છે:
૧. નરવણસિંહ કાકુભા ગોહીલ (પોલીસકર્મી)
૨. એ.એસ.આઇ. અજીતસિંહ ગાંડાભાઇ પરમાર
૩. એ.એસ.આઇ. નટુભા ભાભલુભા બસીયા
૪. પ્રદિપસિંહ વાલાભાઇ ખેર (પોલીસ હેડ કોન્સ્ટેબલ, વેરાવળ)
5.
ડીવાયએસપી અમિત ખટાણાના વડપણ હેઠળ 'SIT'ની રચના:
ગીરસોમનાથ એસપી જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગે આ ગંભીર ગુનામાં સામેલ આરોપીઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે સમગ્ર મામલાની તટસ્થ અને ઊંડી તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. આ 'સીટ'ના અધ્યક્ષ તરીકે ડીવાયએસપી અમિત ખટાણાની નિમણૂક કરવામાં આવી છે. આ તપાસ ટીમમાં અન્ય સભ્યો તરીકે નીચે મુજબના અધિકારીઓ કાર્ય કરશે:
પ્રભાસપાટણ પી.આઈ વી.બી.પીઠીયા
સોમનાથ સુરક્ષા પી.આઈ એ.જી.જાદવ
મહિલા પોલીસ સ્ટેશન પીએસઆઈ એસ.એસ.વાવૈયા
ટ્રાફિક પીએસઆઈ જે.આર.ડાંગર
હાલ પકડાયેલા તમામ આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને આ ગુનામાં સંડોવાયેલા અનેક અન્ય આરોપીઓ પકડવાના બાકી હોઈ નાસતા ફરતા રહ્યા છે, જેમને ઝડપી પાડવા SIT દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લેવાયેલા આ આકરા અને કડક પગલાંને કારણે પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
