તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
ગીરસોમનાથ એસીબીની મોટી સફળતા : ચેરીટી કમિશનર કચેરીનો પટાવાળો રાહુલભાઈ વંશ ટ્રસ્ટનું પ્રમાણપત્ર આપવા રૂ. ૫,૦૦૦ ની લાંચ લેતા નવા એસીબી પોલીસ સ્ટેશન સામેથી ઝડપાયો
મદદનીશ નિયામક જે.ડી.મેવાડા અને નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.ડી.વાળાની ટીમે ગોઠવેલા છટકામાં કરાર આધારિત કર્મચારી રંગેહાથ પકડાયો

વેરાવળ: ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના અભિયાન અંતર્ગત ગીરસોમનાથ એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) ની ટીમે આજે એક સફળ ટ્રેપ કરીને લાંચિયા તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગીરસોમનાથ (ઈણાજ) ખાતે આવેલી મદદનીશ ચેરીટી કમિશનરની કચેરીમાં કરાર આધારિત પટાવાળા તરીકે ફરજ બજાવતા આરોપી રાહુલભાઈ પુંજાભાઇ વંશ (ઉંમર વર્ષ ૩૨) ને રૂ. ૫,૦૦૦ ની લાંચ લેતા નવા બનતા એસીબી પોલીસ સ્ટેશનની સામે જાહેરમાં રોડ ઉપરથી રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. જાગૃત નાગરિકની સમયસૂચકતા અને ફરિયાદના આધારે એસીબીની ટીમે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું.
ટ્રસ્ટ નોંધણીના પ્રમાણપત્ર માટે મંગાઈ હતી લાંચ:
સમગ્ર ઘટનાની ટૂંકી વિગત એવી છે કે, આ કામના ફરિયાદી અને એક જાગૃત નાગરિકે મદદનીશ ચેરીટી કમિશનરની કચેરી, ગીરસોમનાથ ખાતે પોતાના ટ્રસ્ટની વિધિવત નોંધણી કરવા માટે અરજી સબમિટ કરી હતી. આ અરજી મદદનીશ ચેરીટી કમિશનરની કચેરી દ્વારા મંજૂર પણ કરી દેવામાં આવી હતી. જો કે, કચેરીમાંથી ટ્રસ્ટ નોંધણીનું આ મંજૂર થયેલું પ્રમાણપત્ર ફરિયાદીને આપવાના અવેજ પેટે આરોપી પટાવાળા રાહુલભાઈ વંશ દ્વારા રૂ. ૫,૦૦૦ ની લાંચની ગેરકાયદેસર માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કરીને વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
એસીબીએ ગોઠવ્યું લાંચનું સચોટ છટકું:
નાગરિકની ફરિયાદના આધારે એસીબીની ટીમે ૨૪ જૂન ૨૦૨૬ ના રોજ ઈણાજ ખાતે નવા બનતા એસીબી પોલીસ સ્ટેશનની સામે, રોડ ઉપર લાંચના છટકાનું સચોટ આયોજન કર્યું હતું. ટ્રેપ દરમિયાન આ કામના આક્ષેપિત રાહુલભાઈ વંશે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચની રકમ રૂ. ૫,૦૦૦ ની માંગણી કરીને ફરિયાદી પાસેથી આ નાણાં સ્વીકાર્યા હતા. નાણાં સ્વીકારતાની સાથે જ પૂર્વ આયોજિત ગોઠવણ મુજબ એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને લાંચની સ્વીકારેલ રૂ. ૫,૦૦૦ ની પૂરેપૂરી રકમ સાથે રંગેહાથ દબોચી લીધો હતો અને લાંચની રકમ પણ રીકવર કરી લીધી હતી.
ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા કાર્યવાહી:
આ સફળ ટ્રેપની કામગીરી ગીરસોમનાથ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.વાળા તથા એસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન જૂનાગઢ એકમના ઇનચાર્જ મદદનીશ નિયામક જે.ડી.મેવાડાના સીધા સુપરવિઝન હેઠળ અને રાજકોટ એસીબીના નાયબ નિયામક ઇનચાર્જ અધિકારી બલદેવસિંહ વાઘેલાના સક્ષમ માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. એસીબીએ પટાવાળા રાહુલભાઈ વંશ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
