<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th August 2026

ગિરનારી ગિરીકંદરાઓની હરીયાળી વનસૃષ્ટી સંગાથ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ખાતે સ્વાતંત્ર્યદિન પર્વની ઉત્સાહભેર ઊજવણી

આત્મનિર્ભર ભારતની પ્રધાનમંત્રીની પરિકલ્પનાને સાકાર કરવા આવો સૈા સાથે મળી વહેવાર, કાર્ય અને પરસ્પરનાં સહયોગમાં આત્મિયતાના ભાવ કેળવીએ: પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણ કુલપતિ

( વિનુ જોશી દ્વારા ) જૂનાગઢ : ગિરીવર ગિરનારની લીલીછમ્મ ગીરકંદરાઓના પ્રાકૃતિક હરિયાળી વનસંપદાઓ  સમીપ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીનાં કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે ત્રીરંગો લહેરાવી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે યુનિ.નાં રજીસ્ટ્રાર ડો. આર.જી.પરમાર, પરીક્ષા નિયામક ડો. ડી.એચ. સુખડીયા અને વિવિધ ડિપાર્ટમેન્ટનાં વડા ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વમાં જોડાયા હતા.

  આ પ્રસંગે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિનાં કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે સ્વાધિનતા સંગ્રામનાં સ્વાતંત્ર સેનાનીઓને ભાવવંદનાં કરી પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે આજે દેશ ૮૦મો સ્વતંત્રતા દિવસ 'વિકસીત ભારત' પર ધ્યાન કેન્દ્રિત કરતા ઉજવી રહ્યો છે. આવનાર સમયમાં ભારતદેશ વિશ્વગુરૂ તરીકે પ્રસ્થાપિત થાય તે દિશામાં આવો આપણે સૈા આત્મનિર્ભર ભારતની પ્રધાનમંત્રી ની પરિકલ્પનાને સાકાર કરવા આપણાં કાર્યમાં, વ્યવહારમાં અને પરસ્પર સહયોગમાં હકારાત્મક અભિગમ સાથે કાર્ય કરીએ. સૈાને યાદ હશે જ કે સ્વતંત્રતા દિવસ સ્વતંત્રતા માટેના લાંબા અને કઠોર સંઘર્ષની યાદમાં ઉજવાઇ રહ્યો છે જેની વિશેષતા ભારતીય જનતાના વ્યાપક એકત્રીકરણ, અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓની આગેવાની હેઠળના અહિંસક પ્રતિરોધ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની લોકલડત અને અસંખ્ય બલિદાન દ્વારા ભારતને એક લોકશાહી ગણરાજ્યના રૂપમાં સ્થાપિત કર્યું.

 લોકશાહી, ન્યાય અને સ્વતંત્રતાના સિદ્ધાંતો પર ભાર મૂકતા "લોકોની, લોકો દ્વારા, લોકો માટે" સરકારનો પાયો નાખ્યો છે. સ્વતંત્રતા દિવસ એક વૈવિધ્ય સભર ઉત્સવ છે જે ભારતના ભૂતકાળના સંઘર્ષોનું સન્માન કરે છે, તેની વર્તમાન સિદ્ધિઓની ઉજવણી કરે છે અને ભવિષ્યની આકાંક્ષાઓ તરફ જુએ છે. રાષ્ટ્રીય ગૌરવ, એકતા અને પ્રતિબિંબનો દિવસ છે, જે સ્વતંત્રતાની ભાવના અને તેના તમામ નાગરિકો માટે વધુ સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાની નિરંતર શોધને દર્શાવે છે. આવો આપણે સૈા આપણાં દેશને વ્યસન-નશામુક્ત બનાવીએ, પ્રકૃતિ અને પર્યાવરણનું સંવર્ધન કરીએ, શહિદો, સ્વાતંત્ર સેનાનીઓ અને મહિલાઓને આદરભાવ આપીએ,

આઝાદી માટેની એક લાંબી લડાઈ લડવામાં અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સરહદનાં સૈનિકોનાં બલીદાનને યાદ કરી ડો. પ્રતાપસિંહજી ચૈાહાણે શ્રધ્ધાંજલી અર્પણ કરી યુનિ.નાં કાર્યમાં સૈા સહયોગી કર્મયોગીઓ, અને સેવારથીઓને બિરદાવી સૈાને સ્વાતંત્ર દિવસની શુભકામનાં પાઠવી હતી.
    આ તકે સજ્જતા, નિયમન, તાલીમબધ્ધ કાર્યદક્ષતા, નિયમિતતા પ્રમાણિકતા, નીતિમત્તા સાથે કાર્ય કરતા કર્મયોગીઓ, વિવિધ ડિપાર્ટમેન્ટમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વિભાગીય વડા, શોધસ્કોલર, પેટન્ટ રજિસ્ટર કરાવનાર સંશોધકો, અલગ-અલગ ક્ષેત્રે શૈક્ષણિક સિધ્ધીઓ હાંસલ કરનારને કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે બીરદાવી આવનાર દિવસોમાં યુનિ. નવી ઉંચાઇ હાંસલ કરે તે દિશામાં યોગદાન આપવા હિમાયત કરી હતી.
   યુનિ.નાં સ્પોર્ટ વિભાગ દ્વારા આયોજીત ઓઇ ઈન્ડીયા લેવલે ઝુડોમાં દ્વિતિય નંબરે વિજેતા થનાર કુ. તૃષાબેન પંકજભાઇ ઝાલાને રૂા. પંદર હજાર રૂપિયાની ધનરાશીનો ચેક અર્પણ કરી વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવીશુભ.ચ્છા વ્યકત્ કરી હતી.
    સ્વાતંત્ર્યદિન પર્વ ઉજવણી અવસરે સમાજશાસ્ત્ર ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો. જયસિંહ ઝાલા, કોમર્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો. ભાવસિંહ ડોડીયા, કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો. નવલભાઇ કપુરીયા, લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં વડા પ્રો. સુહાસ વ્યાસ, અંગ્રેજી વિભાગનાં પ્રો. ફિરજ શેખ, હિસાબી અધિકારી ડો. કિર્તીબા વાઘેલા, યુનિ.નાં વિવિધ વિભાગોનાં અધ્યાપકો, વહિવટી કર્મચારીઓ, યુનિ. ભવનનાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
   સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રજીસ્ટ્રાર ડો. આર.જી.પરમાર, સલીમભાઇ સીડા, આઇ.ટી.અધિકારી ડો.જીતેન્દ્ર ભાલોડીયા, જનસંપર્ક અધિકારી અશ્વિન પટેલ સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. ઋષિરાજ ઉપાધ્યાયે સંભાળ્યુ હતુ.

(1:11 PM IST)