<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

જૂનાગઢના પૂર્વ ડે.મેયર ગિરીશભાઈ કોટેચાએ : કોટેચા પરિવારની અનોખી પરંપરા: ૪૨ વર્ષથી દિવાળીએ ઘરની સ્ત્રીઓને જ સાક્ષાત લક્ષ્મી માનીને કરાય છે પૂજન

માતા, પત્ની, પુત્રવધૂ અને દીકરીઓનું પુરુષો કરે છે પૂજન, પગે લાગીને ઉતારે છે આરતી અને માંગે છે ક્ષમા - યુવા પેઢીએ પણ જાળવી રાખી પરંપરા, વહુ-દીકરીઓ હસતી-રમતી રહે તો જ ઘરમાં સાચી લક્ષ્મીનો વાસ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા.૮ : દિવાળી એટલે કે અજ્ઞાન પર પ્રકાશનું અને ધનની દેવી માતા લક્ષ્મીના પૂજનનું પર્વ. સામાન્ય રીતે સમગ્ર દેશમાં દિવાળીના દિવસે મૂર્તિ પૂજન અને ચોપડા પૂજન કરવામાં આવે છે, પરંતુ જૂનાગઢના સંસ્કારી કોટેચા પરિવારની પરંપરા આખી દુનિયાથી તદ્દન અલગ અને પ્રેરણાદાયી છે. આ પરિવારમાં છેલ્લા ૪૨ વર્ષથી દિવાળીના પાવને અવસરે ઘરમાં વસતી સ્ત્રીઓ - એટલે કે માતા, પત્ની, પુત્રવધૂ અને દીકરીઓને જ સાક્ષાત લક્ષ્મી માનીને તેમના પુરુષો દ્વારા વિશેષ પૂજન કરવામાં આવે છે.

પૂર્વ ડે.મેયર  કોટેચાએ જણાવ્યું હતું કે, તેમના સ્વર્ગસ્થ મધરે ૪૨ વર્ષ પહેલાં આ સુંદર પરંપરાની શરૂઆત કરાવી હતી અને શીખવ્યું હતું કે જે ઘરની અંદર વહુ કે સ્ત્રીઓ રાજી અને ખુશ રહે, તે ઘરમાં ક્યારેય કોઈ જ તકલીફ પડતી નથી. આજે પરિવાર મોટો થઈ ગયો હોવા છતાં દરેક દીકરો પોતાની પત્ની અને વહુનું પૂજન કરે છે, તેમને પગે લાગે છે, આરતી ઉતારે છે અને વર્ષ દરમિયાન થયેલી નાની-મોટી ભૂલ બદલ ક્ષમા માંગે છે. ઘરની શાંતિ જ સૌથી મોટી મૂડી છે.

ગિરીશભાઈના પત્ની ગીતા કોટેચાએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ઘરમાં બધા સાથે બેસીને પુરુષો અમારું સન્માન અને પૂજન કરે છે, આરતી ઉતારે છે અને ક્ષમા માંગે છે. ત્યારબાદ બધા સાથે મળીને સ્વાદિષ્ટ ભોજન કરીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ અને દીવડા પ્રગટાવીને ભરપૂર ઉત્સાહથી દિવાળી ઉજવીએ છીએ.

ગિરીશભાઈ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાએ જણાવ્યું હતું કે, તેઓ ખુદ પોતાની પત્ની અને વહાલી દીકરીનું પૂજન કરે છે. ઘરની સ્ત્રીઓના ચહેરા પર સ્મિત અને ખુશી રહે તો જ તે સાચા અર્થમાં ‘ઘર’ બને છે, નહીં તો તે માત્ર એક નિર્જીવ મકાન બનીને રહી જાય છે.

 

પરિવારની પુત્રવધૂ ચાંદની કોટેચાએ ગર્વ અનુભવતા જણાવ્યું હતું કે, વહુ-દીકરીઓ હસતી-રમતી રહે તો જ ઘરમાં સાચી લક્ષ્મીનો વાસ થાય છે તે માન્યતા મુજબ દિવાળીની સવારે અમારું ભવ્ય પૂજન અને આરતી થાય છે. તેમણે સમાજની તમામ મહિલાઓ વતી અપીલ કરી છે કે દરેક ઘરની અંદર વહુ-દીકરીઓનું આ જ પ્રકારે સન્માન અને પૂજન થવું જોઈએ.(તસવીર:મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:43 PM IST)