તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
કચ્છને ઉત્તર ભારત સાથે જોડતી નવી ટ્રેનની ભેટ: ભુજ-બરૌની વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસને મંજૂરી
સાંસદ વિનોદભાઈ ચાવડાની રેલવે મંત્રી સાથેની રજૂઆત રંગ લાવી, સપ્તાહમાં ત્રણ દિવસ કચ્છથી બિહાર વચ્ચે દોડશે ઝડપી ટ્રેન

( વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ : ગુજરાત અને બિહાર વચ્ચે રેલવે કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનાવવાના હેતુથી ભુજથી બરૌની વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા જઈ રહી છે. સપ્તાહમાં ત્રણ દિવસ દોડનારી આ ટ્રેનના કારણે કચ્છ સહિત ગુજરાતના નાગરિકોને ઉત્તર પ્રદેશ અને બિહાર સુધીની મુસાફરી માટે વધુ સીધી અને સુવિધાજનક રેલ સેવા ઉપલબ્ધ થશે. લોકસભા સત્ર દરમિયાન કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ઉત્તર પ્રદેશમાં વસતા કચ્છીઓના પ્રતિનિધિમંડળ સાથે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની રૂબરૂ મુલાકાત કરી કચ્છને ઉત્તર પ્રદેશ અને બિહાર સાથે જોડતી રેલ સેવા શરૂ કરવા અંગે રજૂઆત કરી હતી. સાંસદની આ રજૂઆત બાદ રેલવે મંત્રાલય દ્વારા ભુજ-બરૌની વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ભુજથી બરૌની સુધી આશરે 2,532 કિમીનું અંતર કાપતી આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના મુસાફરો માટે મહત્વપૂર્ણ સુવિધા બની રહેશે. ભુજથી આ ટ્રેન સોમવાર, બુધવાર અને શનિવારે ઉપડશે. નવી ટ્રેનના રૂટમાં ભુજ, અમદાવાદ, રતલામ, કોટા, મથુરા, બરેલી, ગોરખપુર, હાજીપુર, મુઝફ્ફરપુર અને બરૌની સહિતના મુખ્ય સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ રેલ સેવા શરૂ થતાં રોજગાર, વેપાર, શિક્ષણ તેમજ સામાજિક કારણોસર ઉત્તર ભારત અને બિહાર તરફ અવરજવર કરતા મુસાફરોને સીધી મુસાફરીનો લાભ મળશે.
કચ્છ માટે આ સેવા વિશેષ મહત્વ ધરાવતી બની રહેશે, કારણ કે ભુજથી ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ વિસ્તારો સાથેનું જોડાણ વધુ સરળ બનશે. લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને સમય અને મુસાફરીની સુવિધાની દૃષ્ટિએ પણ તેનો લાભ મળવાની અપેક્ષા છે. નવી રેલ સેવા માટે સાંસદ વિનોદભાઈ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્ર સરકાર તથા રેલવે મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભુજ-બરૌની અમૃત ભારત એક્સપ્રેસ ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહાર વચ્ચેના પરિવહન સંબંધોને વધુ મજબૂત બનાવશે અને કચ્છના નાગરિકો માટે ઉત્તર ભારત સુધી પહોંચવાનું વધુ સુલભ માધ્યમ પૂરું પાડશે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
