તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું સામ્રાજ્ય! વન વિભાગે દોડી જઈ કર્યો સફળ રેસ્ક્યુ
જાગૃત નાગરિક સુરેશભાઈ બાબરીયાની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી; બે મહિનામાં કેનાલમાંથી ચાર મહાકાય મગર ઝડપાયા

ઘાંટવડ: ઘાંટવડ ગામની કેનાલમાં ફરી એકવાર મહાકાય મગર દેખાતા ગ્રામજનો અને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી. કેનાલમાં મગર હોવાની જાણ થતાં જ ગામના જાગૃત નાગરિક સુરેશભાઈ બાબરીયાએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જાણ મળતાની સાથે જ વન વિભાગની ટીમે સમય ગુમાવ્યા વિના સ્થળ પર પહોંચી મગરને પકડવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
મગરને પકડવા માટે વન વિભાગની ટીમ સાથે અનુભવી ટ્રેકરોને પણ કામગીરીમાં જોડવામાં આવ્યા હતા. ભારે જહેમત અને સાવચેતીપૂર્વક હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ મહાકાય મગરને સહીસલામત રીતે ઝડપી લેવામાં આવ્યો હતો. મગરને પકડવાની કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ કે ઈજા ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
આ સફળ રેસ્ક્યુ કામગીરીમાં રાઉન્ડ ફોરેસ્ટ એમ.જી. દમણીયા, ફોરેસ્ટ ગાર્ડ એન.ટી. રમણાભાઈ, અનુભવી ટ્રેકરો રાજુભાઈ, ધર્મેશભાઈ, દિનેશભાઈ અને મહેશભાઈ સહિતની ટીમે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. સાથે જ ગામના જાગૃત નાગરિક સુરેશભાઈ બાબરીયા સહિત સ્થાનિક લોકોએ પણ રેસ્ક્યુ કામગીરીમાં સહયોગ આપ્યો હતો.
બે મહિનામાં ચાર મહાકાય મગરનું રેસ્ક્યુ
ઘાંટવડની કેનાલમાંથી મગર મળવાની આ પ્રથમ ઘટના નથી. છેલ્લા બે મહિનામાં વન વિભાગ દ્વારા અંદાજે ચાર જેટલા મહાકાય મગરોને કેનાલમાંથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. વારંવાર મગર જોવા મળતા હોવાના કારણે કેનાલ આસપાસના લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.
આવી પરિસ્થિતિમાં મગર દેખાય ત્યારે તેને પકડવા કે નજીક જવા કરતાં તાત્કાલિક વન વિભાગને જાણ કરવી જરૂરી છે. ઘાંટવડમાં જાગૃત નાગરિક દ્વારા સમયસર જાણ કરવામાં આવતા વન વિભાગે ઝડપી કાર્યવાહી કરી મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો.
વન્યજીવ અને માનવ વસાહત વચ્ચે સર્જાતી આવી પરિસ્થિતિમાં વન વિભાગની ટીમે સમયસર અને સંકલિત રીતે હાથ ધરેલી કામગીરીને સ્થાનિક ગ્રામજનો દ્વારા સરાહનીય ગણાવવામાં આવી રહી છે.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
