<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

ભુજમાં ગૌરસ વિદ્યા કાર્યક્રમ: દેશી ગાયનું દૂધ અમૃત સમાન, પંચગવ્યથી તન-મનનું રક્ષણ : આયુર્વેદાચાર્ય ડો. હિતેશભાઈ જાની

રાજીવ દિક્ષિત ઉત્થાન સમિતિ કચ્છ અને સત્વમ નેચરલ ઓર્ગેનિકના સહયોગથી ‘અનટોલ્ડ સ્ટોરી ઓફ મિલ્ક’ પર વક્તવ્ય : ધારાસભ્ય કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં પંચગવ્ય પ્રોડક્ટનું અનાવરણ : ગૌવંશ સંરક્ષણની ગંભીર અપીલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : સનાતન સંસ્કૃતિની ધરોહર સમાન દેશી ગાય માતા પવિત્ર અને પૂજનીય છે, તેજ રીતે ગાયનું દૂધ પણ શ્રેષ્ઠ અને અમૃત સમાન છે. ગાયના દૂધ વિશે ફેલાયેલી ગેરસમજ આપણને અનેક રોગોથી ગ્રસ્ત બનાવી રહી છે. સાચી સમજ અને દેશી ગાયની ઓળખ આપણે ભૂલી ગયા છીએ. ગાયને માતા તરીકે નહીં પરંતુ પશુ તરીકે ગણવાથી અનેક સંકટો વહોરી રહ્યા છીએ. 

 

આવું જાણીતા આયુર્વેદાચાર્ય ડો. હિતેશભાઈ જાનીએ જણાવ્યું હતું. શ્રી રાજીવ દિક્ષિત ઉત્થાન સમિતિ કચ્છના ઉપક્રમે અને સત્વમ નેચરલ ઓર્ગેનિકના સહયોગથી ભુજના ટાઉનહોલ ખાતે ગૌરસ વિદ્યા અંતર્ગત ‘અનટોલ્ડ સ્ટોરી ઓફ મિલ્ક’ કાર્યક્રમ યોજાયો હતો. ડો. જાનીએ મહાભારત સમયના દ્રષ્ટાંતો રજૂ કરી ગાયના મહત્વ વિશે જાણકારી આપી હતી.

ડો. હિતેશભાઈ જાનીએ આધ્યાત્મિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક આધારો સાથે દેશી ગાયના દૂધ, ઘી, પનીર, માખણ, છાસ ઉપરાંત ગૌમૂત્ર અને ગોબરના ફાયદાઓ વર્ણવ્યા હતા. તેમણે કહ્યું કે ગૌવંશ પરાપૂર્વથી પંચગવ્યો દ્વારા આપણને અનેક રીતે ઉપયોગી બની રહ્યો છે. 

દેશ આઝાદ થયો ત્યારે માનવ વસ્તી કરતા વધુ ગૌધન હતું, આજે ઉલટી પરિસ્થિતિ થઈ ગઈ છે. ગાય પ્રત્યેના અભિગમને બદલી તેને બિચારી ન સમજતા તેની ઉપયોગીતા સમજો. વર્તમાન સમયે દરરોજ હજારોની સંખ્યામાં ગાયોની કતલ થઈ રહી છે. જો જાગીશું નહીં તો આવનારી ભાવી પેઢીને ગાયનું દૂધ મળવું દુર્લભ બની જશે. ગાય નહીં રહે તો મનુષ્યનું અસ્તિત્વ જ નહીં રહે. ફરી ગાય સાથે જોડાવવાનો સમય આવ્યો છે.

પ્રારંભે મંચસ્થ મહાનુભાવો ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, મુખ્ય વક્તા ડો. હિતેશભાઈ જાની, રાષ્ટ્રીય સ્વયંસેવક કચ્છના સંઘચાલક હિંમતસિંહ વસણ, હાર્દિકભાઈ મામણીયા, સંજયભાઈ એન્કરવાલા, અનિલભાઈ ગાલા, મનોજભાઈ સોલંકી, પરબતભાઈ ગોરસીયા, પશ્ચિમ એસ.પી.ના પત્ની એની સુંડા વિગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.

માધાપર સ્થિત સત્વમ નેચરલ ઓર્ગેનિક દ્વારા નિર્મિત પંચગવ્ય વસ્તુઓ ઘી, પનીર, માખણ, દૂધ, છાસ સહિત ઓર્ગેનિક ફરસાણ અને મીઠાઈનું મહાનુભાવોને હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. સત્વમ દ્વારા નાના ગૌપાલકો પાસેથી યોગ્ય ભાવે દૂધ ખરીદી તેમાંથી આ ગૌ આધારિત પ્રોડક્ટ બનાવવામાં આવે છે.

કાર્યક્રમની જાણકારી અને સ્વાગત મયુર બોરીચાએ કર્યું હતું. સંચાલન દીપક પટેલે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાંતિલાલ સેંઘાણી, વનરાજસિંહ જાડેજા, તેજસ પટ્ટણી, શામજીભાઈ ભટ્ટી, નરેન્દ્રભાઈ દડગા, કિરણ સેંઘાણી, મુકેશભાઈ ઠક્કર વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

 

(11:32 AM IST)