<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

ભુજમાં ‘એકના પાંચ’ અને સસ્તા સોનાની લાલચ આપતી ઠગ ટોળકીનો પર્દાફાશ

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી લોકોને જાળમાં ફસાવતા બે કુખ્યાત ચીટર એલસીબી પોલીસની સતર્કતાથી ઝડપાયા, રૂ.૫.૩૧ લાખનો મુદ્દામાલ કબજે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ :  પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) પોલીસે સોશિયલ મીડિયા મારફતે લોભામણી જાહેરાતો આપી લોકો સાથે છેતરપિંડી કરવાના કારસાનો પર્દાફાશ કર્યો છે. ‘એક લાખના બદલામાં પાંચ લાખ રૂપિયા’ આપવાની તેમજ બજારભાવ કરતાં સસ્તું સોનું આપવાની લાલચ આપી લોકોને પોતાના જાળમાં ફસાવતી ટોળકીના બે આરોપીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.

ઝડપાયેલા આરોપીઓમાં અજરૂદીન કાસમશા શેખ (ઉં.વ. ૨૬) અને અલીશા કાસમશા શેખ (ઉં.વ. ૨૨) બંને રહે. શેખ ફળિયું, સરપટ નાકા બહાર, ભુજનો સમાવેશ થાય છે.

*ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવી લાલચ આપતા*

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ-અલગ આઈડી બનાવી ભારતીય ચલણી નોટો તથા સોનાના બિસ્કિટના વીડિયો વાયરલ કરતા હતા. વીડિયોમાં લોકોને સસ્તું સોનું અને રોકાણ કરેલા નાણાંના અનેકગણા રૂપિયા આપવાની લાલચ આપવામાં આવતી હતી.

આરોપીઓ એક બંડલમાં ઉપર-નીચે અસલી ચલણી નોટો રાખી વચ્ચે નકલી (ચિલ્ડ્રન બેંકની મનોરંજન માટેની નોટો) ગોઠવતા હતા. ત્યારબાદ આવા બંડલ બતાવી ‘રૂ. ૧ લાખના બદલામાં રૂ. ૫ લાખ’ આપવાની લાલચ આપી ભોળા લોકોને છેતરવાનો કારસો રચવામાં આવતો હતો.

એલસીબીની ટીમને આરોપીઓની પ્રવૃત્તિ અંગે બાતમી મળતાં વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન વહેદના સ્કૂલ ગ્રાઉન્ડ નજીકથી બંને આરોપીઓને તેમની ફોરવ્હીલર ગાડી તથા ઠગાઈમાં ઉપયોગમાં લેવાતા સામાન સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી અસલી ભારતીય ચલણી નોટો રૂ.૪૫૦૦ (કુલ ૨૨ નોટ), ‘ભારતીય મનોરંજન’ લખેલી નકલી ચલણી નોટોના ૫૩૪ નંગ, સોના જેવા દેખાતા ધાતુના ૧૪ બિસ્કિટ, નોટ ગણવાનું એક મશીન તથા વાહન સહિત કુલ રૂ. ૫,૩૧,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

*અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા*

પોલીસ તપાસમાં બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન, માનકુવા પોલીસ સ્ટેશન અને કોડાય પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમગ્ર કામગીરી પશ્ચિમ કચ્છ એલસીબીના પી.આઈ. એ.એમ. મકવાણા, પી.એસ.આઈ. જે.બી. જાદવ, પી.એસ.આઈ. એમ.એચ. શીણોલ તથા પોલીસ સ્ટાફના અશ્વિન સોલંકી, પ્રવિન્દ્રસિંહ ચૌધરી, રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ સહિતના જવાનો દ્વારા કરવામાં આવી હતી.

(9:32 AM IST)