તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
ગાંધીનગરના જય મહેતા જર્મનીમાં ISSF વર્લ્ડ કપ- રાયફલ અને પિસ્તોલ ૨૦૨૬ ISSF કોમ્પિટિશન મેનેજર કોર્સ છવાયો
વિશ્વભરના પસંદગીના અધિકારીઓને જ આ કોર્સમાં ભાગ લેવાની તક પ્રાપ્ત થાય છેઃ હાલમાં જય મહેતા ગુજરાતના અનેક પ્રતિભાશાળી અને આશાસ્પદ શૂટર્સને તાલીમ આપી રહ્યા છે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદરઃતા.૫, ગાંધીનગરના જાણીતા શૂટર, આંતરરાષ્ટ્રીય કક્ષાના શૂટિંગ અધિકારી તથા કોચ શ્રી જય મહેતાની વધુ એક નોંધપાત્ર સિદ્ધિ ગુજરાતના રમતજગત માટે ગૌરવની બાબત બની છે. શ્રી જય મહેતા એ તા. ૨૩મે થી ૩૦ મે, ૨૦૨૬ દરમિયાન જર્મનીના મ્યુનિક શહેરમાં યોજાયેલ પ્રતિષ્ઠિત ISSF વર્લ્ડ કપ (રાઈફલ અને પિસ્તોલ) દરમિયાન આયોજિત ISSF કોમ્પિટિશન મેનેજર કોર્સમાં ભાગ લીધો હતો. આ કોર્સ આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધાઓના આયોજન, સંચાલન અને ટેક્રિકલ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા ઉચ્ચ સ્તરીય અધિકારીઓ માટેનો વિશિષ્ટ પ્રશિક્ષણ કાર્યક્રમ છે. વિશ્વભરના પસંદગીના અધિકારીઓને જ આ કોર્સમાં ભાગ લેવાની તક પ્રાપ્ત થતી હોય છે. શ્રી જય મહેતાની પસંદગી તેમના અનુભવો, લાયકાત અને શૂટિંગ ક્ષેત્રે આપેલા યોગદાનની આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી માન્યતાનું પ્રતિબિંબ છે. જય મહેતા આંતરરાષ્ટ્રીય શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF) દ્વારા માન્યતા પ્રાપ્ત B લેવલ જજ અને જ્યુરી તેમજ ગ્ લેવલ કોચ તરીકે કાર્યરત છે. શૂટિંગ ક્ષેત્રે તેમણે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં અધિકારી, જ્યુરી સભ્ય અને કોચ તરીકે સફળતાપૂર્વક કામગીરી બજાવી છે. તેઓ અગાઉ ગુજરાત સ્ટેટ રાઈફલ એસોસિએશન (GSRA) ખાતે કોચ તરીકે સેવા આપી ચૂકયા છે તેમજ ધ નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા (NRAI) તરફથી ટેક્રિકલ ઓફિશિયલ તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂકયા છે. રમત પ્રત્યેની તેમની નિષ્ઠા, વ્યાવસાયિક અભિગમ અને કાર્યક્ષમતાના કારણે તેમણે શૂટિંગ ક્ષેત્રમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હાલમાં શ્રી જય મહેતા ગુજરાતના અનેક પ્રતિભાશાળી અને આશાસ્પદ શૂટર્સને તાલીમ આપી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેક ખેલાડીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. યુવા ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે તેઓ સતત કાર્યરત છે. જય મહેતાની આ સિદ્ધિને લઇને ગુજરાત સ્ટેટ રાઈફલ એસોસિએશન, રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ તેમજ રાજ્યભરના રમતપ્રેમીઓમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે. સૌએ તેમને અભિનંદન પાઠવતાં મ્યુનિક ખાતે યોજાયેલ ISSF કોમ્પિટિશન મેનેજર કોર્સ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. શૂટિંગ ક્ષેત્રે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા શ્રી જય મહેતાની આ ઉપલબ્ધિ રાજ્યના યુવા રમતવીરો માટે પ્રેરણારૂપ સાબિત થશે. સાથે જ ભવિષ્યમાં ગુજરાતમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સ્પર્ધાઓના આયોજન અને સંચાલનમાં તેમનું માર્ગદર્શન મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
