<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

તળાજાના સરતાનપર ગામે ગમખ્વાર ઘટના: એક જ પરિવારના 3 માસૂમ બાળકો પાણીમાં ડૂબી જતાં કરુણ મોત, ગામમાં શોકનું મોજું ફરી વળ્યું

તળાજા તાલુકાના સરતાનપર ગામે પાણી ભરવા ગયેલા એક જ પરિવારના ત્રણ બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થતાં ઘટનાસ્થળે જ મોત: પરિવારજનોના આક્રંદથી સમગ્ર પંથકમાં શોકની લાગણી, તંત્ર દ્વારા તપાસ શરૂ

ભાવનગર : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામે અત્યંત હૃદયવિદારક ઘટના સામે આવી છે. ગામના એક જ પરિવારના 3 માસૂમ બાળકો પાણીમાં ડૂબી જતાં કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનાના પગલે સમગ્ર સરતાનપર ગામ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.

 

પ્રાથમિક માહિતી મુજબ સરતાનપર ગામના ત્રણેય બાળકો નજીકના તળાવ કે પાણીના ખાડામાં પાણી ભરવા માટે ગયા હતા. આ દરમિયાન અચાનક પગ લપસી જતાં એક બાળક ઊંડા પાણીમાં પડી ગયો હતો. તેને બચાવવા જતાં બીજા બે બાળકો પણ પાણીમાં ખાબક્યા હતા. ત્રણેય બાળકો એક પછી એક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

 

ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. માતા-પિતા સહિત પરિવારજનોના આક્રંદથી સમગ્ર ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

 

ઘટનાની જાણ થતાં તળાજા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કરુણ ઘટનાએ ઉનાળામાં પાણીની તંગી વચ્ચે બાળકોની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

(2:20 PM IST)