<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

ગોંડલ પાસે ઘોઘાવદર-રામોદ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત: કારે એક્ટિવાને અડફેટે લેતાં અનિડા ભાલોડીના દંપતી અને ૧૩ વર્ષના પુત્રનું નીપજ્યું મોત

અનિડા ભાલોડીનો પરિવાર રામોદ ખાતે રહેતી ભત્રીજીની ખબર પૂછવા જઈ રહ્યો હતો ત્યારે કાળ ભેટ્યો; કાર મહિલા ચલાવતી હોવાની ચર્ચા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૭ : ગોંડલ તાલુકાના ઘોડાવાદર અને રામોદ ગામ વચ્ચે આજે એક અત્યંત કરૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. ઝડપભેર આવી રહેલી એક કારે એક્ટિવાને જોરદાર અડફેટે લેતાં એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

             મળતી માહિતી મુજબ અનિડા ભાલોડી ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા જયેશભાઈ કરશનભાઈ બગડા (ઉં.વ. ૪૦), તેમનાં પત્ની શાંતુબેન જયેશભાઈ બગડા (ઉં.વ. ૩૭) અને તેમનો ૧૩ વર્ષનો પુત્ર વ્રજ જયેશભાઈ બગડા પોતાની ભત્રીજીની ખબર પૂછવા માટે એક્ટિવા GJ 03 LS 5971 પર રામોદ તરફ જઈ રહ્યા હતા. 

          આ દરમિયાન ઘોડાવાદર-રામોદ વચ્ચે પૂરપાટ ઝડપે આવતી કાર નંબર GJ 23 CF 0472 ના ચાલકે એક્ટિવાને ઠોકરે લેતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા અને કાર બંને માર્ગની સાઈડમાં ખાબક્યા હતા.

          અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કાર એક મહિલા ચલાવી રહી હતી. બનાવ અંગે જાણ કરાતાં જ પોલીસ કાફલો તથા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. અકસ્માતના કારણે રસ્તા પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

            બગડા પરિવારનો વ્રજ ખાનગી શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો જ્યારે પરિવારની 16 વર્ષની દીકરી સાથે આવી ન હતી

(1:35 PM IST)