તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ગઢડા-બોટાદ રોડ પર ગમખ્વાર અકસ્માત:સુરતથી બાબરા જતી ખાનગી લક્ઝરી બસે પલટી ખાતા 15થી વધુ મુસાફરોને ઇજા
અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા જ બસ રોડની સાઈડમાં આવેલા ખાડામાં પલટી ખાઈ ગઈ :અકસ્માત સમયે બસમાં સવાર મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો

ગઢડા-બોટાદ રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં સુરતથી બાબરા જઈ રહેલી ખાનગી લક્ઝરી બસે પલટી ખાતા અરેરાટી વ્યાપી ગઈ છે. ગોપીનાથજી દર્શન નામની આ બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ માર્ગની નીચે ઉતરીને ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.
ઘટનાની વિગતો મુજબ, સુરતથી બાબરા તરફ જઈ રહેલી ગોપીનાથજી દર્શન ટ્રાવેલ્સની લક્ઝરી બસ જ્યારે ગઢડાના બોટાદ રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા જ બસ રોડની સાઈડમાં આવેલા ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સમયે બસમાં સવાર મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
આ કરુણ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
અકસ્માતની જાણ થતા જ ગઢડા પોલીસનો કાફલો તાત્કાલિક રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પહોંચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગેની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ બસ ચાલકની ગફલત અથવા કોઈ ટેકનિકલ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં રોડ પર ટ્રાફિક ક્લિયર કરી બસને બહાર કાઢવાની કામગીરી અને વધુ કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
