તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th September 2026
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 'નમામિ ભારતમ' હેઠળ સંપૂર્ણ 'વંદે માતરમ' સામૂહિક ગાયન કાર્યક્રમ યોજાયો : શિસ્તબદ્ધ માહોલમાં રાષ્ટ્રીય ચેતનાનો સંચાર
વિદ્યાભારતીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં પ્રભારી કુલપતિ નરેન્દ્ર પંડ્યાની અધ્યક્ષતા : ઉત્કૃષ્ટ સંયોજન બદલ સંયોજિકા ડૉ. કુંજલ ત્રિવેદીનું સન્માન કરાયું

વેરાવળ : શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થા, દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ યુનિવર્સિટી પરિસરમાં 'નમામિ ભારતમ' શીર્ષક હેઠળ સંપૂર્ણ 'વંદે માતરમ' સામૂહિક ગાયન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સંઘીય પ્રકલ્પના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમ પૂર્ણ અનુશાસન અને નિયમો સાથે યોજાયો હતો. એક સ્વર, એક સમય અને એક રાષ્ટ્રીય ચેતનાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંયોજનની જવાબદારી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પુરાણ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અને ગીર સોમનાથ જિલ્લાના બૌદ્ધિક વિભાગના કાર્યકર્તા ડૉ. કુંજલ ત્રિવેદી દ્વારા સંભાળવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે તેમણે શાબ્દિક સ્વાગત પ્રવચન કર્યું હતું તથા રાષ્ટ્રહિતમાં કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્રીય ભાવના સંદર્ભે પ્રભાવશાળી વિષય રજૂઆત કરી હતી.
કાર્યક્રમના અધ્યક્ષ અને યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ પ્રો. નરેન્દ્ર પંડ્યાએ પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં રાષ્ટ્રીય ચેતના અને રાષ્ટ્રનિર્માણના કાર્યો પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે અનુસ્નાતક વિભાગના નિદેશક પ્રો. વિનોદ ઝાએ રાષ્ટ્રીય ગીતના ગૂઢ અર્થ અને મહત્વ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા. કાર્યક્રમમાં શોધ નિદેશક ડૉ. ડી. એમ. મોકરિયા, યુનિવર્સિટીનો તમામ શૈક્ષણિક સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ નિર્વિધ્ને અને ઉર્જાસભર રીતે સંપન્ન થયા બાદ, ઉત્કૃષ્ટ આયોજન અને સંયોજન બદલ પ્રભારી કુલપતિના હસ્તે સંયોજિકા ડૉ. કુંજલ ત્રિવેદીને પ્રશંસાપત્ર (સર્ટિફિકેટ) આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન B.Ed. ની વિદ્યાર્થીની દૃષ્ટિ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ B.Ed. ની છાત્રા રિદ્ધિ ભિમાણી દ્વારા કરવામાં આવી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
