News of Saturday, 30th May 2026
ઉનામાં સ્મશાન પાસે બેઠેલા મિત્રો રવિ અને કેવલની આંખમાં મરચાની ભુકી છાંટી હુમલોઃ હત્યાનો પ્રયાસ
રવિના સગાની પરિણીતા સાથે હુમલાખોર અક્ષયને સંબંધ હોઇ તે કારણે ચાલતી માથાકુટ કારણભુતઃ અક્ષયે ટોળકી રચી છરી-ધોકા-પાઇપથી તૂટી પડયોઃ બંને મિત્રોને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૩૦: ગીર સોમનાથ તાબેના ઉનામાં બે મિત્રો પર આંખમાં મરચાની ભુકી છાંટી ટોળકીએ ધોકા-પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં બંનેને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જે પૈકી એક યુવાનને ધોકા-પાઇપના ઘાથી શરીરમાં વીસથી વધુ ફ્રેકચર થઇ ગયાનું પોલીસ તપાસમાં ખુલતાં હત્યાની કોીશષનો ગુનો નોંધવા તજવીજ કરી હતી. આડાસંબંધને કારણે આ હુમલો થયાનું બહાર આવ્યું છે.
જાણવા મળ્યા મુજબ ઉનાના રામનગર ખારી વિસ્તારમાં રહેતાં રવિ દેવચંદભાઈ બામણીયા (ઉ.વ.૨૭) અને તેના મિત્ર રામનગરના કેવલ ચંદુભાઈ વાજા (ઉ.વ.૨૧) સાંજે પાંચેક વાગ્યે ઉનાના સ્મશાનની નજીક બેઠા હતા ત્યારે ઉનામાં જ રહેતો અક્ષય રાજ સુજલ પોતાની સાથે બીજા સાત આઠ શખ્સોને લઇને આવ્યો હતો અને આ બધાએ ટોળકી રચી ધોકા પાઇપ છરીથી હુમલો કરતાં રવિ અને મિત્ર કેવલને ગંભીર ઇજાઓ થઇ હતી.
દેકારો મચી જતાં બીજા લોકો આવી જતાં હુમલાખોરો બાઇક પર ભાગી ગયા હતાં. બંને મિત્રોને લોહીલુહાણ હાલતમાં ઉના હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉના પોલીસને જાણ કરતાં પીએસઆઇ સરવૈયા સહિતના સ્ટાફે રાજકોટ પહોંચી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. બનાવ અંગે કેવલે જણાવ્યું હતું કે હું કલરકામની મજૂરી કરુ છું અને બે ભાઈ અને એક બહેનમાં મોટો છું. હું અને મારો મિત્ર રવિ સાંજે સ્મશાન પાસે બેઠા હતા ત્યારે અક્ષય સહિતના શખ્સો આવ્યા હતાં અને અમારી આંખોમાં મરચાની ભુકી છાંટી દીધી હતી.
અમે કંઇ સમજીએ પહેલા અમારા પર આડેધડ ધોકા-પાઇપ-છરીના ઘા ઝીંકાયા હતાં. મિત્ર રવિ લોન રિકવરીનું કામકાજ કરે છે ત્રણ ભાઈ અને એક બહેનમાં તે બીજો છે. રવિ પરણેલો છે અને તેને ત્રણ સંતાને છે. આરોપી અક્ષયને રવિના સગાની પરિણિતા સાથે સંબંધ હોય તે બાબતે અગાઉથી ઝઘડો ચાલતો હતો. અક્ષય પણ પરણિત છે. આ બાબતે ચાલતા મનદુઃખમાં અક્ષયે સમાધાન કરવા કહ્યું હતું. પરંતુ રવિએ સમાધાનની ના પાડી હોઇ ખાર રાખી અક્ષયે ટોળકી રચી રવિ અને તેના મિત્ર કેવલ પર હુમલો કર્યો હતો. રવિને શરીરમાં વીસથી વધુ ફ્રેકચર હોવાનું પોલીસને જાણવા મળતાં હત્યાની કોશિષનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
