News of Wednesday, 15th July 2026
જામનગરના અલિયાબાળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર વીજ વિક્ષેપ: ખેડૂતોની સર્કલ ઓફિસમાં રજૂઆત : 8 કલાક વીજળી આપવાની માંગ
ફલ્લા વીજ કચેરીએ અનેક રજૂઆતો છતાં સમસ્યા યથાવત - વરસાદના ખેંચાણ વચ્ચે પાક બચાવવા વીજળી જરૂરી, વિભાગે 8 દિવસમાં નિરાકરણની આપી બાંહેધરી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૫ : જામનગર જિલ્લાના અલિયાબાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર સર્જાતા વીજ વિક્ષેપના કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક ફલ્લા વીજ કચેરીએ આ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા અંતે ખેડૂતો આજે જામનગર સર્કલ ઓફિસ ખાતે એક્ઝિક્યુટિવ એન્જિનિયરને રૂબરૂ મળવા પહોંચ્યા હતા.
ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ ચોમાસાની સિઝનમાં વરસાદનું ખેંચાણ જોવા મળી રહ્યું છે. ત્યારે ઊભા પાકને બચાવવા માટે સિંચાઈ અત્યંત જરૂરી છે. પરંતુ અલિયાબાળા સહિતના ગામોમાં વારંવાર વીજળી જતી રહેવા અને વોલ્ટેજની સમસ્યાના કારણે ખેડૂતો ટ્યુબવેલ અને ડીઝલ એન્જિન ચલાવી શકતા નથી. જેના કારણે પાક સુકાવવાની ભીતિ સર્જાઈ છે.
ખેડૂતોએ માંગ કરી હતી કે તાત્કાલિક ધોરણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને દિવસમાં ઓછામાં ઓછા *8 કલાક સતત વીજળી* પૂરી પાડવામાં આવે. જેથી તેઓ પોતાના ખેતરોમાં સમયસર પાણી પાઈને પાકને જીવતદાન આપી શકે.
ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી લઈને વીજ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા ખેડૂતોને હૈયાધારણા આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમસ્યાના મૂળ સુધી જઈને તપાસ કરવામાં આવશે અને આગામી *8 દિવસમાં સમસ્યાનું નિરાકરણ* લાવવાની બાંહેધરી આપવામાં આવી છે.
ખેડૂતોએ પણ વીજ વિભાગને ચેતવણી આપી હતી કે જો 8 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ આંદોલનના માર્ગે આગળ વધશે.(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
