News of Thursday, 18th June 2026
પોરબંદરમાં વિશ્વ યોગદિન અવસરે વિનામૂલ્યે યોગ કાર્યક્રમોઃ લાભ લેવા અર્જુનભાઇનો અનુરોધ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ :.. ૨૧ જૂનના ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ આયોજીત નિઃશુલ્ક યોગ પ્રોટોકોલ શિબિરોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોગ શિબિરોનો લોકોએ લાભ લેવા કેબીનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ અનુરોધ કર્યો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજીના નેતળત્વમાં સ્ટેટ કો-ઓર્ડિનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદી, પોરબંદર-જૂનાગઢના કો-ઓર્ડિનેટર શ્રીમતી ચેતનાબેન ગજેરા તથા પોરબંદરના કો-ઓર્ડિનેટર શ્રી કેતનભાઈ કોટિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ નિઃશુલ્ક યોગ પ્રોટોકોલ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ શિબિરોની શ્રેણીનો પ્રારંભ ગુરુકુલ મહિલા કોલેજ ખાતે વિધિવત દીપ પ્રાગટય સાથે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ડો. નાગર, વાઇસ પ્રિન્સિપાલ ડો. રોહિણીબા જાડેજા, સી.ડી.સી. કોઓર્ડિનેટર ડો. નયન ટાંક, યોગ સંયોજક ડો. શોભના વાળા, એન.એસ.એસ. સંયોજકો ડો. રાજેન્દ્ર ચૌધરી અને ડો. નમ્રતા સમાણી, વિશ્વ યોગ ચેમ્પિયન શાહ નવાઝ વાજા તેમજ યોગ શિક્ષકો અંજલિ ગાંધ્રોકિયા અને ધ્વનિ સલેટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે યોગ પ્રોટોકોલમાં ભાગ લઈ ૨૧ જૂનના વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં બહોળી સંખ્યામાં જોડાવા અપીલ કરી હતી.
રાજ્યના વન, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી તથા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જિલ્લાના યોગ પરિવાર સાથે સંવાદ કરી આગામી યોગ કાર્યક્રમોની રૂપરેખા અંગે માહિતી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગ સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે. સાથે જ તેમણે લોકહિત માટે આયોજિત નિઃશુલ્ક યોગ કાર્યક્રમો અને યોગ પ્રોટોકોલ શિબિરોનો વધુમાં વધુ લાભ લેવા રાજ્ય તથા પોરબંદરની જનતાને અપીલ કરી હતી.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
