<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા સર્વ જ્ઞાતિ માટે 15 નવેમ્બરે નિઃશુલ્ક ઓર્થોપેડિક અને જનરલ મેડિસિન કેમ્પ યોજાશે.

શનાળા રોડ પર આવેલ ધનવંતરી ભવન ખાતે કેમ્પ યોજાશે: ફ્રી એક્સ-રે અને દવાઓ પણ અપાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા માનવ સેવાના ઉત્તમ ઉદ્દેશ્ય સાથે તમામ જ્ઞાતિના લોકો માટે 'નિઃશુલ્ક સારવાર અને નિદાન કેમ્પ' નું આયોજન ક૨વામાં આવ્યું છે. આ કેમ્પમાં મુખ્યત્વે ઓર્થોપેડિક (હાડકાના રોગો) અને જનરલ મેડિસિનને લગતી બીમારીઓનું નિદાન અને સારવાર કરવામાં આવશે. આગામી તારીખ 15/11/2026 ને રવિવારના રોજ સવારે 11:00 થી બપોરે 01:00 વાગ્યા સુધી ધનવંતરી ભવન, શનાળા રોડ, 1/3 કાયાજી પ્લોટ, મોરબી ખાતે આ કેમ્પ યોજાશે.
આ મેડિકલ કેમ્પમાં ઉપલબ્ધ સારવારની વાત કરીએ તો, ઓર્થોપેડિક સર્જન દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલવાના ઓપરેશન અંગે માર્ગદર્શન, હાડકાના તમામ ફ્રેક્ચર, કમરનો દુખાવો, સાયટીકા, સાંધાનો દુખાવો, લિગામેન્ટ અને સ્પોર્ટ્સ ઇન્જરી તેમજ દૂરબીનથી થતા ઓપરેશનની તપાસ કરવામાં આવશે. જ્યારે જનરલ મેડિસિન વિભાગમાં બીપી, ડાયાબિટીસ, ફેફસા-મગજના રોગો, લીવર-કિડનીના રોગો, તમામ પ્રકારના તાવ, પેટ-આંતરડાના રોગો અને અન્ય ગંભીર બીમારીઓની સારવાર આપવામાં આવશે. આ કેમ્પની વિશેષતા એ છે કે તેમાં દર્દીઓને નિઃશુલ્ક એક્સ-રે કાઢી આપવામાં આવશે અને જરૂરિયાત મુજબની દવાઓ પણ તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.
આ કેમ્પને સફળ બનાવવા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ, પરશુરામ ધામ, પરશુરામ યુવા ગ્રુપ, બ્રહ્મસમાજ યુવક મંડળ અને ગાયત્રી પરિવાર જેવી સહયોગી સંસ્થાઓ જહેમત ઉઠાવી રહી છે. મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ડો. બી. કે. લહેરુ અને મહામંત્રી અજયભાઈ રાવલ (હળવદ) દ્વારા મોરબીની સર્વ જ્ઞાતિની જાહેર જનતાને આ નિઃશુલ્ક કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(10:53 PM IST)