તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
કચ્છના આદિપુરમાં મની ટ્રાન્સફર કરનાર વેપારી સાથે રૂ.૨.૩૦ લાખની ઠગાઈ
પાઉંભાજીના વેપારી તરીકે ફોન કરનાર ગઠિયાએ ટ્રિક દ્વારા પાઉંભાજીના વેપારીને મ્હોરું બનાવી છેતરપીંડી કરી બે વ્યાપારીઓને સામસામે મૂર્ખ બનાવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ : કચ્છના આદિપુર શહેરમાં ઓનલાઇન છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ગઠિયાએ પાઉંભાજી અને પુલાવનો બલ્ક ઓર્ડર આપવાના બહાને મની ટ્રાન્સફરના વેપારીને વિશ્વાસમાં લઈ રૂ..૩૦ લાખ ની ઠગાઈ આચરી છે. બંને પક્ષોને અંધારામાં રાખીને આચરાયેલા આ ડબલ ગેમ ફ્રોડથી સ્થાનિક વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ ફરિયાદ અનુસાર, આદિપુરમાં મની ટ્રાન્સફરનું કામકાજ કરતા વેપારી મનદીપસિંગ પર બપોરે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ જાણીતા 'રાજ પાઉંભાજી'વાળા હિતેષ તરીકે આપી હતી. ઠગે વેપારીને વિશ્વાસમાં લેવા માટે રાજ પાઉંભાજીના અસલી માલિકના પુત્ર દેવ ધનવાનીને ૧૫૦ પાઉંભાજી અને ૧૫૦ પુલાવનો મોટો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ ઠગે દેવને કહ્યું કે, આ ઓર્ડરનું રૂ. ૨૦,૦૦૦નું એડવાન્સ પેમેન્ટ તે મનદીપસિંગની (મની ટ્રાન્સફરના વેપારી) દુકાનેથી મેળવી લે.
જ્યારે દેવ ધનવાની રૂપિયા લેવા મનદીપસિંગની દુકાને પહોંચ્યો, ત્યારે મનદીપસિંગે દેવના ફોન પરથી જ તે અજાણ્યા ઠગ સાથે વાત કરી હતી. ઠગે મનદીપસિંગને કેટલાક બેંક ખાતા નંબરો આપીને તાત્કાલિક રૂ.૩૦ લાખ ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું. વેપારી મનદીપસિંગે પણ સામે દેવ ઊભો હોવાથી તે રોકડા રૂપિયા આપશે ભરોસો કરી લીધો અને પોતાના વોલેટમાંથી માત્ર ૧૫ થી ૨૦ મિનિટના ગાળામાં અલગ-અલગ ૧૦ ટ્રાન્ઝેક્શન કરીને કુલ ૨,૨૯,૯૯૪ ફોન કરનાર ગઠીયાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.
મની ટ્રાન્સફરની પ્રક્રિયા પૂરી થયા બાદ જ્યારે વેપારી મનદીપસિંગે સામે ઊભેલા દેવ ધનવાની પાસે રૂ.૨.૩૦ લાખ રોકડા માંગ્યા, ત્યારે દેવ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. દેવે કહ્યું, "હું તો મારા પાઉંભાજીના ઓર્ડરના રૂ.૨૦,૦૦૦ એડવાન્સ લેવા આવ્યો છું, પૈસા આપવા નહીં!" આ સાંભળતા જ મનદીપસિંગના હોશ ઊડી ગયા હતા. બંને વચ્ચે વાતચીત થતાં સમજાયું કે કોઈ ત્રીજા જ ભેજાબાજે બંનેને અંધારામાં રાખીને મોટી રકમ સેરવી લીધી છે.
પોતે છેતરાયા હોવાની વિગત સામે આવતા જ વેપારીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આદિપુર પોલીસ સ્ટેશનમાં આધિકારિક ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને બેંક ખાતાઓની વિગતો તથા કોલ ડિટેઇલ્સના આધારે આ ભેજાબાજ ઠગને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
