<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા વિસ્તારમાં દીપડો દેખાતાં બંધ કરાયેલો કિલ્લો ચાર દિવસ બાદ ફરી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકાયો : વન વિભાગની સતત કામગીરી સફળ : જુઓ વિડિયો

૫ પાંજરા, ટ્રેપ કેમેરા અને થર્મલ ડ્રોન દ્વારા ૨૪×૭ સઘન સ્કેનિંગ હાથ ધરાયું : ફિલ્ડ સ્ટાફ અને વેટરનરી ટીમની રાત-દિવસની મહેનત બાદ પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરાઈ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: જૂનાગઢના વિશ્વપ્રસિદ્ધ અને ઐતિહાસિક ઉપરકોટ કિલ્લા વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા છેલ્લા ચાર દિવસથી કિલ્લામાં પ્રવાસીઓનો પ્રવેશ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો. વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સતત અને સઘન મોનિટરિંગ બાદ હવે સમગ્ર વિસ્તાર પ્રવાસીઓ માટે સુરક્ષિત હોવાનું સુનિશ્ચિત થતાં ઉપરકોટ કિલ્લો ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો છે.

મુલાકાતીઓ અને પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે જૂનાગઢ વન વિભાગની ટીમો દ્વારા છેલ્લા ચાર દિવસથી દિવસ-રાત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વન વિભાગના ફિલ્ડ સ્ટાફ, અનુભવી ટ્રેકર ટીમ અને વેટરનરી તબીબોની ટીમે સ્થળ પર સતત પગપાળા પેટ્રોલિંગ કરીને સઘન તપાસ હાથ ધરી હતી.

દીપડાની ઉપસ્થિતિને ધ્યાને રાખીને તેને સુરક્ષિત રીતે પકડવા માટે કિલ્લાના પરિસરમાં અને આસપાસના વિસ્તારોમાં ૫ જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સમગ્ર કિલ્લા વિસ્તારમાં ૨૪×૭ સતત ગશ્ત, ટ્રેપ કેમેરા દ્વારા ચોક્કસ મોનિટરિંગ અને થર્મલ ડ્રોન ટેકનોલોજીની મદદથી રાત્રિના સમયે પણ સઘન સ્કેનિંગ કરવામાં આવ્યું હતું.

વન વિભાગની ટીમોની અવિરત મહેનત, ટેકનોલોજીનો ઉપયોગ અને યોગ્ય દેખરેખના પરિણામે હવે આ ઐતિહાસિક સ્થળ પરથી પ્રવાસીઓ માટેનો ભય દૂર થયો છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની સલામતી સર્વોપરી છે અને વન્યજીવ સંરક્ષણની સાથે માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળવા માટે વન વિભાગ સતત સતર્ક અને પ્રતિબદ્ધ છે.

(10:41 AM IST)