<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

સુરેન્‍દ્રનગરના પૂર્વ કલેક્‍ટર કે.રાજેશને નોકરીમાંથી કાઢી મૂકાયા

સુરેન્‍દ્રનગરના કલેક્‍ટર તરીકેના કાર્યકાળ દરમિયાન લાયક ન હોય તેવા લોકોને હથિયારના લાયસન્‍સ આપવા,સરકારી જમીનની ફાળવણીમાં ગેરરીતિ,સરકારી જમીન પરના દબાણોને પૈસા લઈને કાયદેસર કરવા સહિતની ફરિયાદ થઈ હતી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૨: ગુજરાતના IAS અધિકારી કે. રાજેશને સરકારે નોકરીમાંથી કાઢી મૂક્‍યા છે. તેમને પ્રિમેચ્‍યોર રિટાયરમેન્‍ટ આપીને ટર્મિનેટ કરવામાં આવ્‍યા છે. કે. રાજેશ ૨૦૧૧ બેચના IAS અધિકારી છે અને સુરેન્‍દ્રનગરના કલેક્‍ટર રહી ચૂક્‍યા છે.

તેઓ છેલ્‍લા ૪ વર્ષથી સસ્‍પેન્‍ડ હતા. તેમના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે. CBI અને ED તેમની સામે તપાસ કરી રહી છે.

કે. રાજેશ ૨૦૧૮થી ૨૦૨૧ સુધી સુરેન્‍દ્રનગરના કલેક્‍ટર હતા. આ સમય દરમિયાન તેમના પર ત્રણ મોટા આરોપો છે.  લાયક ન હોય તેવા લોકોને હથિયારના લાયસન્‍સ આપવા,સરકારી જમીનની ફાળવણીમાં ગેરરીતિ,સરકારી જમીન પરના દબાણોને પૈસા લઈને કાયદેસર કરવા.

CBIકહેવું છે કે તેમણે રફીક મેમણ નામના વચેટિયા મારફતે લાંચ લીધી હતી. ૨૦૨૨માં CBIએ તેમની ધરપકડ કરી હતી, ત્‍યારથી તેઓ સસ્‍પેન્‍ડ હતા.એવો પણ આરોપ છે કે તેમના સમયમાં ચૂંટણી ખર્ચના ખાતામાં ૫ લાખ રૂપિયામાંથી ૫ કરોડ રૂપિયા જમા થઈ ગયા હતા. આ પૈસા લાયસન્‍સ અને રેતીની લીઝ માટે લીધેલી લાંચના હોવાનું કહેવાય છે.

CBI પછી EDએ પણ તેમની સામે મની લોન્‍ડરિગનો કેસ કર્યો હતો અને તેમની મિલકતોની તપાસ કરી હતી. કે. રાજેશ મૂળ આંધ્રપ્રદેશના છે. તેમણે UPSCમાં ૧૦૩મો રેન્‍ક મેળવ્‍યો હતો.

(1:14 PM IST)