<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

વિસાવદરનાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું

પહેલા આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા ભુપતભાઈ ભાયાણી એ જીત બાદ પક્ષ પલટો કર્યો હતો. અને ભાજપમાં જોડાયા હતા.

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી નોંધાવવાના આજે છેલ્લા દિવસે રાજ્યમાં ચૂંટણીનો અનોખો રંગ જામ્યો છે. ૨૬મી એપ્રિલે ૧૫ મહાનગરપાલિકા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. ૨૮મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. દરેક પક્ષ આજે પોતાના ઉમેદવારો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ત્યારે દરેક પક્ષ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવા માટે પણ શક્તિ પ્રદર્શન કરી પહોંચી રહ્યા હતા. ત્યારે હવે જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેંસાણ બેઠક પરથી વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ પણ ઉમેદવારી નોંધાવી છે.
ભેસાણ જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઇ ભાયાણીએ ઉમેદવારી પત્ર ભર્યું છે. પહેલા આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા ભુપતભાઈ ભાયાણી એ જીત બાદ પક્ષ પલટો કર્યો હતો. અને ભાજપમાં જોડાયા હતા. જે બાદ આજે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા. તેમણે દાવો કર્યો છે કે, પોતે પ્રજા વચ્ચે રહી તેમના કામો કરે છે, સાથે જ સામાજિક આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં અનેક કામો તેમણે કર્યા છે.
ભાજપે ભાયાણીને મેદાનમાં ઉતારી 'આપ'ના ગઢમાં ગાબડું પાડવાની રણનીતિ ઘડી : જૂનાગઢ જિલ્લા પંચાયતની સૌથી ચર્ચિત બેઠક ભેસાણ બની છે. આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણીએ આજે પોતાના સમર્થકો સાથે વિજયના વિશ્વાસ સાથે ફોર્મ ભર્યું હતું. આ બેઠક એટલા માટે મહત્વની છે કારણ કે, તે 'આપ'ના દિગ્ગજ નેતા ગોપાલ ઇટાલિયાનો મતવિસ્તાર ગણાય છે. ભાજપે ભાયાણીને મેદાનમાં ઉતારી 'આપ'ના ગઢમાં ગાબડું પાડવાની રણનીતિ ઘડી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની સીટ નં. ૨ પરથી શોભાનાબેન સતાસીયાએ પણ ભાજપ તરફથી ફોર્મ ભર્યું છે.

(11:03 PM IST)