News of Sunday, 26th April 2026
જામનગરમાં પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા ‘હકુભા’એ પરિવાર સાથે સેન્ટ એન્સ સ્કૂલ ખાતે કર્યું મતદાન
લોકશાહીના પર્વમાં સહભાગી થઈ નિભાવી નાગરિક ફરજ, કહ્યું- સ્થાનિક સંસ્થાઓ મજબૂત થશે તો જ ગામ-શહેરનો વિકાસ શક્ય; મતદારોને ઘરની બહાર નીકળી મતદાન કરવા કરી અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત પૂર્વ મંત્રી અને જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરુભા જાડેજા ‘હકુભા’એ રવિવારે પરિવાર સાથે સેન્ટ એન્સ સ્કૂલ સ્થિત મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
મતદાન બાદ મીડિયા સાથેની વાતચીતમાં હકુભાએ જણાવ્યું કે, લોકસભા અને વિધાનસભાની જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ એટલી જ મહત્વની છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા જ નાગરિકોના રોજબરોજના પ્રશ્નોનું નિરાકરણ આવે છે. પાણી, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ, સફાઈ જેવી પાયાની સુવિધાઓ માટે સ્થાનિક સંસ્થાઓ જ જવાબદાર છે.
તેમણે વધુમાં કહ્યું કે, મજબૂત લોકતંત્ર માટે સ્થાનિક સંસ્થાઓ મજબૂત હોવી જરૂરી છે. એટલે દરેક મતદારે પોતાના મતની કિંમત સમજીને અચૂક મતદાન કરવું જોઈએ. યોગ્ય અને કામ કરનારા ઉમેદવારની પસંદગી જ વિકાસનો માર્ગ મોકળો કરશે.
હકુભાએ જામનગરના તમામ મતદારો, ખાસ કરીને યુવા મતદારોને અપીલ કરતાં કહ્યું કે, ગરમીની પરવા કર્યા વગર ઘરની બહાર નીકળો અને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થઈ મતદાન કરી પોતાની ફરજ નિભાવો. તેમના પરિવારના સભ્યોએ પણ મતદાન કરી નાગરિક ફરજ અદા કરી હતી.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
