તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો નાગરિકોને ખુલ્લો પત્ર : યુવાનોના બેરોજગારી, શિક્ષણ અને પેપર લીક જેવા પ્રશ્નો અંગે મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો
પક્ષાપક્ષી, નાત-જાત કે ધર્મના ભેદભાવ વગર આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે એકજુથ થઈ અવાજ ઉઠાવવા જાગૃત નાગરિકો અને વાલીઓને અપીલ

(વીનું જોશી દ્વારા) જૂનાગઢ : રાજ્યમાં હાલમાં ચાલી રહેલા આંદોલન અને યુવાનોના પ્રશ્નોને લઈને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા નાગરિકો અને વાલીઓને ઉદ્દેશીને એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે વર્તમાન સ્થિતિથી દરેક સંવેદનશીલ માણસ વ્યથિત છે અને કોઈ પણ જવાબદાર નાગરિક આ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી શકે નહીં.
યુવાનોની સમસ્યાઓ અંગે મુખ્યમંત્રી સાથે પરામર્શની માંગ:
જવાહર ચાવડાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તેઓ છેલ્લા એક વર્ષથી યુવાનો વચ્ચે જઈને તેમની બેરોજગારી, શિક્ષણની સમસ્યાઓ તેમજ વારંવાર બનતી પેપર લીકની ઘટનાઓથી થતા અન્યાય અને દુઃખથી વાકેફ થયા છે. આ રુબરૂ સંવાદના અનુભવોના આધારે મનોમંથન કરી સમસ્યાના ઉકેલ અને પરામર્શ માટે તેમણે મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો છે અને હાલ તેમના પ્રતિભાવની રાહ જોઈ રહ્યા છે.
પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી - અસરકારક પગલાં ભરવા રજૂઆત:
તેમણે ઉમેર્યું હતું કે ગાંધીના ગુજરાતમાં યુવાનો અને વિદ્યાર્થીઓ પોતાની સાથે થતા વારંવારના અન્યાય સહન કરીને શાંત છે, પરંતુ આ પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમનો હક્ક અને ન્યાય મળે તે માટે સહુએ સાથે મળીને અસરકારક પગલાં લેવા જોઈએ.
પક્ષાપક્ષીથી દૂર રહી એકજુથ થવા નાગરિકોને અપીલ:
પૂર્વ મંત્રીએ દેશના દરેક જાગૃત નાગરિક, વાલીઓ અને સમાજને અપીલ કરી છે કે પક્ષાપક્ષી, પક્ષ, નાત, જાત કે ધર્મના ભેદભાવથી દૂર રહીને આવનારી પેઢી અને બાળકોના હીત તથા ઉજ્જવળ ભવિષ્ય માટે ગંભીરતાથી વિચારવું જરૂરી છે. આવનારી પેઢી આપણને બેજવાબદાર કે નાસમજ ન માને અને સન્માન સાથે યાદ કરે તે માટે સહુએ એકજુથ થઈને અવાજ ઉઠાવવો જોઈએ.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
