<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

સોમનાથમાં ફૂડ પોઈઝનિંગનો કહેર : જયપુરથી આવેલા 15 થી વધુ પ્રવાસી બાળકો સહિત 25 લોકોને અસર : ઉલ્ટી-ઝાડા થતાં હોસ્પિટલમાં દાખલ, આરોગ્ય તંત્ર દોડતું થયું

વેરાવળની હોટલમાં જમ્યા બાદ તબિયત લથડી : 8 બાળકોની હાલત ગંભીર : સોમનાથ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ, ફૂડ વિભાગે હોટલમાંથી લીધા સેમ્પલ, તપાસના આદેશ, પ્રવાસીઓમાં ફફડાટ

સોમનાથ, તા. 27  :  યાત્રાધામ સોમનાથ ખાતે ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. રાજસ્થાનના જયપુરથી દર્શનાર્થે આવેલા એક પ્રવાસી ગ્રુપના 15 થી વધુ બાળકો સહિત કુલ 25 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. એક સાથે અનેક લોકોને ઉલ્ટી-ઝાડા થતાં તાત્કાલિક સોમનાથ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

મળતી માહિતી મુજબ, જયપુરથી આશરે 50 લોકોનું એક ગ્રુપ બસ દ્વારા સોમનાથ દર્શને આવ્યું હતું. ગઈકાલે રાત્રે તેઓ વેરાવળની એક હોટલમાં જમ્યા હતા. જમ્યા બાદ મોડી રાત્રે ગ્રુપના બાળકો સહિત વડીલોને ઉલ્ટી, ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. જોતજોતામાં 25 થી વધુ લોકોની તબિયત લથડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તમામને સોમનાથ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

 

હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ, ફૂડ પોઈઝનિંગને કારણે 8 બાળકોની હાલત વધુ ગંભીર છે, જેમને સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. અન્ય દર્દીઓની હાલત સ્થિર છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય તંત્ર અને ફૂડ વિભાગની ટીમો દોડતી થઈ ગઈ હતી. 

 

ફૂડ વિભાગ દ્વારા જે હોટલમાં પ્રવાસીઓએ ભોજન લીધું હતું ત્યાં પહોંચીને ખોરાકના સેમ્પલ લેવામાં આવ્યા છે અને હોટલને નોટિસ ફટકારવામાં આવી છે. પ્રાથમિક તબક્કે વાસી ખોરાક કે દૂષિત પાણીને કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું અનુમાન છે. જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

 

આ ઘટનાથી સોમનાથ આવતા અન્ય પ્રવાસીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. તંત્રએ તમામ હોટલ-ધાબા સંચાલકોને ખોરાકની ગુણવત્તા જાળવવા કડક સૂચના આપી છે.

(4:14 PM IST)