તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
સુરેન્દ્રનગરની કેજીવીબી શાળાની હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ: ભોજન બાદ 50થી વધુ વિદ્યાર્થિનીઓની તબિયત બગડી : હોસ્પિટલમાં સારવારમાં
ભોજનની ગુણવત્તા સામે સવાલો : વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલના વોર્ડનની અનિયમિતતા અંગે પણ કર્યો આક્ષેપ : તંત્ર દ્વારા તપાસ શરૂ

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૧૭ : સુરેન્દ્રનગર જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલમાં ગઈકાલે રાત્રે પીરસવામાં આવેલા ભોજન બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થિનીઓની તબિયત બગડતા ખળભળાટ મચી ગયો હતો.50થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગના લક્ષણો જણાતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
હોસ્ટેલમાં રાત્રિના ભોજન બાદ વિદ્યાર્થિનીઓને ઉલ્ટી, ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. શરૂઆતમાં થોડી વિદ્યાર્થિનીઓની તબિયત બગડી હતી પરંતુ થોડા જ સમયમાં સંખ્યા વધીને 50થી વધુ પહોંચી ગઈ હતી.
તંત્ર અને શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક 108 અને ખાનગી વાહનોની મદથી તમામ બીમાર વિદ્યાર્થિનીઓને સુરેન્દ્રનગરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં* સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલ મોટાભાગની વિદ્યાર્થિનીઓની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
આ ઘટના બાદ હોસ્ટેલમાં પીરસાતા ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. વિદ્યાર્થિનીઓ અને વાલીઓએ આક્ષેપ કર્યો છે કે હોસ્ટેલમાં નિયમિત રીતે ગુણવત્તાયુક્ત ભોજન મળતું નથી.
વધુમાં વિદ્યાર્થિનીઓએ *હોસ્ટેલના વોર્ડનની અનિયમિતતા અંગે પણ ફરિયાદ કરી છે. તેમનો આક્ષેપ છે કે વોર્ડન સમયસર હોસ્ટેલમાં આવતા નથી અને વિદ્યાર્થિનીઓની સમસ્યાઓ તરફ ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે આવી બેદરકારી સર્જાય છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમ હોસ્ટેલ પહોંચી ગઈ છે. ભોજનના સેમ્પલ લઈને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
જિલ્લા શિક્ષણાધિકારીએ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.
હાલ હોસ્ટેલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેનિટાઈઝેશન અને અન્ય વિદ્યાર્થિનીઓના આરોગ્ય પર નજર રાખવામાં આવી રહી છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
