<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

જેતપુર તાલુકાના પેઢલા ગામે અન્નદાતા અને વીજદાતા આમને-સામને

39 વર્ષ જૂની GETCOની વીજ ટાવર લાઇનના રિપેરિંગને લઈને ખેડૂતો અને GETCO વચ્ચે વિવાદ સર્જાયો

રાજકોટના જેતપુર તાલુકાના પેઢલા ગામે અન્નદાતા અને વીજદાતા આમને-સામને આવ્યા છે. 39 વર્ષ જૂની GETCOની વીજ ટાવર લાઇનના રિપેરિંગને લઈને ખેડૂતો અને GETCO વચ્ચે વિવાદ સર્જાયો છે. જેતપુર-સાપુર વચ્ચેની આ વીજ લાઇન ખેડૂતોના ખેતરોમાંથી પસાર થાય છે. જમ્પરમાં ખામી સર્જાતા GETCOની ટીમ રિપેરિંગ માટે પહોંચી હતી. જોકે, ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સાથે ખેડૂતોએ કામગીરી અટકાવી દોરડા વડે માનવ સાંકળ રચી વિરોધ નોંધાવ્યો હતો.

ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ લાઇન નાખતી વખતે તેમને યોગ્ય વળતર ચૂકવાયું નહોતું અને 25 વર્ષનો કરાર કરવામાં આવ્યો હોવાના દાવા છતાં તેનું રિન્યુઅલ પણ કરાયું નથી. ખેડૂતો દ્વારા આ અંગેના પુરાવા સામે પણ સવાલ ઉઠાવી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ, GETCOનું કહેવું છે કે રિપેરિંગ દરમિયાન પાક વચ્ચેથી ટીમને પસાર થવું પડે તો પાકને નુકસાન થઈ શકે છે. જોકે, નિયમ મુજબ પાકને થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં આવશે તેવી GETCO દ્વારા ખાતરી આપવામાં આવી છે

(7:43 PM IST)