News of Wednesday, 22nd April 2026
ભુજમાં ફૂડ વિભાગનું ચેકિંગ: આઈસ્ક્રીમ બનાવવાની એક્સપાયર્ડ સામગ્રીનો નાશ, સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા
નંદની આઈસ્ક્રીમમાંથી આશરે ૫ કિલો જેટલો એક્સપાયર્ડ એસેન્સ-ફ્લેવરનો જથ્થો મળ્યો: રિપોર્ટ બાદ કાર્યવાહી થશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૨૨ : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ કચ્છ દ્વારા ગરમીની સિઝનને ધ્યાને લઈ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઓચિંતી તપાસ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભુજ તાલુકામાં નંદની આઈસ્ક્રીમ, રસિકલાલ ન્યૂ રાવલ વાડી સામે, રઘુવંશી સર્કલ પાસે ભુજ ખાતે ફૂડ સેફ્ટી ઓફિસરો એમ.એમ.પટેલ તથા એસ.બી.પટેલ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન શંકાના આધારે રસિકલાલ આઈસ્ક્રીમ કેસર પીસ્તા તથા રસિકલાલ આઈસ્ક્રીમ બ્લેક કરંટ જેવી આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ એનાલિસિસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
તપાસ દરમિયાન સ્થળ પર એસેન્સ, ફ્લેવર, કલર જેવું રો-મટિરિયલ એક્સપાયર્ડ મળી આવ્યું હતું. પેઢીના માલિકે ખરાઈ કરતા જાહેર આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ફૂડ સેફ્ટી ઓફિસરોની હાજરીમાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરાયેલ જથ્થો આશરે ૫ કિલો જેટલો હતો જેની અંદાજિત કિંમત રૂ. ૧૦,૦૦૦ થવા પામેલ છે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
